ગુજરાતમાં અઠવાડિયા પહેલા વાંકાનેડામાં બનેલી ઘટનામાં માસૂમ બાળકને ગીરવે મુકાયું હોવાનું બહાર આવ્યું હતુ. જો કે, આ અંગે બાળ કલ્યાણ વિભાગને જાણ થતાં અધિકારીઓની ટીમે ધસી જઈને બાળકને ઉગારી લીધો હતો. હવે આ પ્રકરણમાં બાળકને ગીરવે મુકનાર દંપતી પાસે બાળક પોતાનું હોવાની કોઈ પુરાવા ન મળતાં અધિકારીઓ મુંઝવણમાં મુકાયા છે. જો કે, હાલ તે બાળકને હિંમતનગરના ચિલ્ડ્રન હોમમાં જ રાખવાનો નિર્ણય કરાયો છે. માનવજાતને શર્મસાર કરતા અને અરવલ્લીમાં બનેલી આ ઘટનાની વિગતો એવી છે કે, મોડાસા તાલુકાના ખંભીસર ગામની સીમમાં એક ૧૨ વર્ષના બાળકને મા-બાપે ૧૦ હજારમાં ગીરવે મુક્યો હતો. આ અંગેની જાણ 5 દિવસ પહેલાં અગમ ફાઉન્ડેશનને થઈ ગઈ હતી. આથી આ એનજીઓએ ખાનગી રાહે તપાસ કરતા બાતમીમાં તથ્ય જણાયું હતુ. આખરે અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા વિભાગનો સંપર્ક કરીને બાળકની શોધખોળ શરૃ કરાઈ હતી.
દરમિયાન ગત ગુરુવારે અધિકારીઓ અને એનજીઓના સભ્યોની ટીમે તે ઘેટાં બકરાં ચરાવવા માટે ગીરવે મુકાયેલા બાળકને શોધી કાઢ્યો હતો. બાળકની પુછપરછ કરાતા બાળકે કહ્યું હતુ કે, તે માલપુર તાલુકાના વાંકાનેડા ગામનું છે. એક મહિના પહેલા તેના માતા પિતાને 10 હજાર રૃપિયાની ખૂબ જ જરૃર હતી. આવા સંજોગોમાં તેઓને કોઈ ઉછીની રકમ આપે તેમ ન હતુ. બેંક કે અન્ય કોઈ સંસ્થા પાસે મદદ માગવાની પ્રક્રિયા અટપટી હતી. તેથી મા-બાપે ૧૦ હજાર રૂપિયામાં બાળકને ગીરવે મુકવાનો નિર્ણય લીધો હતો. જે માણસે 10 હજાર આપ્યા તેના ઘરે ઘેટાં બકરાં હોવાથી બાળકની પાસે તેને ચરાવવાનું કામ પણ નક્કી કરાયું હતુ. આ સોદામાં ૧૦ હજાર રૂપિયાની વ્યવસ્થા થશે ત્યારે નાણાં પરત આપી દીકરાને લઈ જઈશું તેવુ વચન માતા પિતાએ આપ્યું હતુ. જો કે, બાળકનું રેસ્ક્યુ કરી મોડાસા ખાતે લવાયો હતો. દરમિયાન અધિકારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે, માલપુરના વાંકાનેડામાં ગરીબ પરિવારમાં મહિલાને વાલ્વની બીમારી હતી. તેથી મહિલાની સારવાર માટે પૈસાની જરૃર પડતાં બાળકને ગીરવે મુકવાની નોબત આવી હતી. બાળકને મંગળવારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરાયો હતો. આ સમયે તેના માતા-પિતા બાળક પોતાનું હોવાના કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતી. આખરે કમિટિએ બાળકને ચિલ્ડ્રન હોમ હિંમતનગરમાં રાખવા નિર્ણય કર્યો હતો. જયારે કથિત માતા પિતાને હજુ પણ સમય આપીને પુરવા રજૂ કરવાની તક અપાઈ છે. જો કે, બાળકને પૈસાના બદલામાં જ ગીરવે મૂકવામાં આવ્યો છે તેના પણ કોઈ પુરાવા હજી મળ્યા નથી.