વર્ષોથી વિસ્તારવાદની નીતિ અપનાવી રહેલા ચીને રશિયા, અમેરિકા અને ભારતને ટક્કર આપવા 110 પરમાણુ મિસાઇલ સાઇલ બનાવવા કવાયત આદરી દીધી છે. ચીનમાં જે સ્થળે આ મિસાઈલને રાખવામાં આવશે તે જગ્યા શિનજિયાંગ પ્રાંતના હામી શહેર નજીક આવેલા રણમાં છે. ભારત માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ કિલર મિસાઇલો ભારતથી માત્ર 2000 કિ.મી.ના અંતરે છે. જેનો તાજેતરમાં સેટેલાઇટ તસવીરો દ્વારા ખુલાસો થયો છે.
અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ અંગે કહ્યું છે કે, ચીનમાં હામી અને યુમેન બંને એવી જગ્યાઓ છે કે જ્યાં અમેરિકા પોતાના પરંપરાગત ક્રુઝ મિસાઇલોથી હુમલો કરી શકતું નથી. તેથી ચીનની પરમાણુ હુમલા કરવાની ક્ષમતા વધશે. અમેરિકાએ આ સ્થળનો અને મિસાઈલનો નાશ કરવા માટે ખાસ યોજના ઘડવી પડશે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, 1960ના દાયકામાં અણુ બોમ્બનું પરીક્ષણ કર્યા પછી ચીને કેટલાક દાયકાઓ સુધી પરમાણુ શક્તિનો સૌથી ઓછો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. અત્યાર સુધી ચીન પાસે 300 પરમાણુ બોમ્બ હતા, પરંતુ હવે શી જિનપિંગના નેતૃત્વમાં ડ્રેગન ઝડપથી પરમાણુ બોમ્બનો સંગ્રહ કરી રહ્યું છે.
ચીને ઘણા વર્ષો સુધી મૌન રહ્યા બાદ હવે ફરી પરમાણુ શક્તિ વધારવાની દીશામાં ડગલુ ભરવા માંડ્યું છે. જેના ભાગરુપે મિસાઇલ સાઇલોનું આ વર્ષે નિર્માણ શરૂ થયું છે. 800 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં રસ્તાઓનું નેટવર્ક ઉભુ કરાયુ છે. આ નવા વિસ્તારની પસંદગીના કારણો છે. ચીન હવે તેની વધેલી આર્થિક, તકનીકી અને લશ્કરી શક્તિ અનુસાર પરમાણુ બોમ્બનો સંગ્રહ કરવા માંગે છે. બીજું કારણ ચીન અમેરિકાના મિસાઇલ સંરક્ષણ અને ભારતના વધતા પરમાણુ શસ્ત્રોને લઈને ચિંતામાં છે.
આ ઉપરાત રશિયાએ અતિસંવેદનશીલ અને સ્વાયત્ત શસ્ત્રો બનાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ચીન તેના વિરોધીઓના મિસાઇલોનો નાશ કરી શકે તેવી ક્ષમતા મેળવવા માંગે છે. આથી ચીન 200થી વધુ મિસાઇલ સાઇલો બનાવી રહ્યું છે. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલોની રેન્જ ઘણી લાંબી હોય છે. તેઓ એક ખંડમાંથી બીજા ખંડમાં ઉડીને હુમલો કરવામાં સક્ષમ હોય છે. અમેરિકન વૈજ્ઞાનિકો મેટ કોર્ડા અને હાંસ એમ ક્રિસ્ટેંશનના મતે યુમેન અને હામી એ હવે ચીનનું સૌથી મોટું પરમાણુ હથિયાર વિસ્તાર છે. અત્યાર સુધી ચીન માત્ર 20 સાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે જે તેણે ડીએફ-5 મિસાઇલ માટે નિર્માણ કર્યું હતુ. નવી મિસાઇલ સાઇલોના નિર્માણથી ચીન પાસે 230 નવી મિસાઇલ સાઇલો થઇ જશે.