અમેરિકન યુદ્ધ જહાજોની ઉપસ્થિતિમાં ચીની મિલિટ્રી પીએલએ સાઉથ ચાઇના સીમમાં મિસાઇલ ડ્રિલ કરીને અમેરિકા સામે આકરા તેવર બતાવ્યા છે. ચીની જંગી યુદ્ધ જહાજોના શક્તિ પ્રદર્શન વેળા અનેક મિસાઇલો પણ ફાયર કરાઈ હતી. ચીનના યુદ્ધાભ્યાસ વખતે જ અમેરિકન જાસૂસી વિમાન પણ ઉડાન ભરી રહ્યા હોવાના અહેવાલો છે. બેઇજિંગની થિંકટેંકે કરેલા દાવા મુજબ ચીનની મુખ્ય ભૂમિથી માત્ર 323 કિલોમીટર દૂર અમેરિકન જાસૂસી વિમાન યૂએસએનએસ ઇમ્પેક્ટેબલે ઉડાન ભરી હતી. આ વિમાને તાઇવાનની પાસેથી ઉડાન ભરીને ચીની ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટના પરથી સ્પષ્ટ થયું છે કે, અમેરિકાની કોઈપણ ધમકીને ચીન તાબે નહીં થાય. ટ્રમ્પ સાથે સતત ઘર્ષણમાં રહ્યા બાદ ચીન હવે જો બાઇડન સામે પણ શિંગડા ભેરવવાની ફિરાકમાં છે.
અમેરિકાએ સાઉથ ચાઈના સીમ નજીક પોતાની સૌથી ઘાતક સબમરીન યૂએસએસ ઓહિયોને કેટલાક સમયથી વોચ માટે ગોઠવી દીધી છે. આથી ચીન અકળાઈ ઉઠ્યું છે. ચીનના મીડિયા રિપોર્ટ એવા છે કે, ચીની સેનાના દક્ષિણ થિયેટર કમાન્ડે દરિયામાં દુશ્મનો પર મિસાઇલથી હુમલો કરવા માટે આ પ્રક્રિયા અભ્યાસના ભાગરૃપે કરી છે. આ ડ્રિલમાં ગાઇડેડ-મિસાઇલ વિનાશક યિનચુઆન, ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ હેંગયાંગ, એમ્ફિબિયસ ડૉક લેન્ડિંગ શિપ વુઝિસન અને સપોર્ટ ચૈગન હૂ સામેલ થયા હતા. ચીની સેનાનું દક્ષિણ થિયેટર કમાન્ડ જ સાઉથ ચાઇના સીમમાં ચીની જળક્ષેત્રની દેખરેખ કરે છે. ચીને આ થિયેટર કમાન્ડને તાઇવાન, જાપાન અને વિયતનામ સામે પહોંચી વળવા માટે ગોઠવ્યું છે. આ કમાન્ડમાં 500થી વધારે અલગ-અલગ યુદ્ધ જહાજો છે. ચીન અને અમેરિકાની વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ચીન અને અમેરિકા હોંગકોંગ, તાઇવાન, શિનજિયાંગ અને તિબેટના મામલે એક-બીજા સામે છે. તેવા સંજોગોમાં ચીને કરેલી હરકતથી બે દેશ વચ્ચે તનાવ વધવાની સંભાવના છે.