8 મહિનાથી લદાખ સરહદે એલએસીને લઈને ભારત તથા ચીન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ભારત અને ચીનના સૈનિકો આજે પણ સરહદે સામસામે મોરચો માંડયો છે. ત્યારે ભારતે ફરી ચીનને ખુલ્લી ચેતવણી આપતા કોઈપણ હરકતનો જવાબ આપવા તૈયારી દાખવી છે. શુક્રવારે આર્મી ડેનાં દિવસે રાજનાથસિંહ અને અમિત શાહે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું હતુ કે, જવાનોનાં દેશ પ્રત્યેનાં સમર્પણ તેમજ તેમની નિસ્વાર્થ સેવાને કારણે દેશ સુરક્ષિત રહી શકે છે. જવાનોની આ સેવા માટે દેશના નાગરિકોને ગર્વ છે. શુક્રવારે આર્મી પરેડ દિવસે દિલ્હી કેન્ટ ખાતે પરેડ ગ્રાઉન્ડમાં જવાનોને સંબોધતા ભારતનાં આર્મી ચીફ મનોજ મુકુંદ નારવણેએ કહ્યું હતુ કે, કોઈ પણ દુશ્મન દેશ ભારતની સૈન્ય શક્તિની અવગણના ન કરે. ભારત લશ્કરી તેમજ રાજદ્વારી રીતે ચીન સાથેનો વિવાદ ઉકેલવા પ્રયાસ કરે છે. આમ છતાં ભારત સરહદ પર પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. ભારતના જવાનો સંયમ અને ધીરજ રાખે છે. પરંતુ તેની કસોટી કરવાની ભૂલ કોઈ પણ ન કરે. નારવણેએ વધુમાં કહ્યું હતું કે, એલએસી ખાતે સર્જાયેલી મડાગાંઠનો સામનો કરવા અને ઉકેલ લાવવા આર્મી દ્વારા સમયસર આક્રમક પગલાં લેવાયા છે. એલએસી ખાતે એકપક્ષીય રીતે સ્થિતિને બદલવા ચીન દ્વારા થયેલી કોઈપણ હરકતનો ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ગાલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોની શહાદતને એળે નહી જવા દેવાઈ. લદ્દાખમાં સરહદની ચોકી કરી રહેલા જવાનોનો જુસ્સો પહાડોની ઉંચાઈ કરતા પણ વધુ બુલંદ છે. બીજી તરફ પાકિસ્તાનની સરહદે લાઇન ઓફ કન્ટ્રોલ ખાતે પીઓકેમાં 300થી 400 આતંકી ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હોવાના અહેવાલો મળતા પુરતી સતર્કતા રખાઈ રહી છે. સેનાનાં જવાનો દ્વારા પાક.માંથી આતંકીઓને ભારતમાં ઘુસાડવાનાં પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. ચીનની સેનાનો સામનો કરવા ભારત આર્મી સજ્જ છે.