કોરોના વાયરસને દુનિયાભરમાં ફેલાવનાર ચીન સામે આજે પણ નારાજગી દૂર થઈ નથી. દુનિયાના દેશો કોરોના સંક્રમણ પાછળ એક માત્ર ચીનને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. બીજી બાજુ ચીને કોરોના વાયરસને લઈને મહત્વપૂર્ણ જાણકારીઓ વિશ્વને આપી હોવાનું સતત રટણ ચાલુ રાખ્યું છે. જોકે એક ડોક્યુમેન્ટ્રીમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે, ચીને કોરોના વાયરસને લઈને જુઠ્ઠાણા ચલાવી રાખ્યા સિવાય બીજુ કશું જ કર્યું નથી. આ ઉપરાંત ચીની લોકોને આ વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં પણ ફેલાઈ શકે તેવું જાણતા પણ હતા. ચીનના જ એક મેડિકલ સાથે સંકળાયેલા અગ્રણીએ તાજેતરમાં જ નિવેદન આપ્યું હતુ કે, માનવ શરીરમાં વાયરસ સરળતાથી સંક્રમણ થઈ શકે છે તેવી જાણકારી પહેલાથી જ હતી. વુહાનના મેડિકલ પ્રોફેશનલ્સના નિવેદનનું તાઈવાનના સિનિયર વાયરોલોજિસ્ટ ડૉ યી-ચુન લોએ પણ સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, આ વાયરસને લઈને શરૂઆતમાં રાખવાની તકેદારીમાં ચીન સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. જો ચીન પારદર્શિતા સાથે પ્રારંભીક તબક્કામાં જ જરૂરી જાણકારી આપતે તો આ મહામારીને રોકી શકાઈ હોત. મેડિકલ સાથે સંકળાયેલા અગ્રણીએ ડોક્યુમેન્ટ્રીમાં આપેલી નિવેદનમાં કબૂલ્યું હતુ કે, હોસ્પિટલમાં યોજાતી અનેક બેઠકમાં અમને આ મામલે સંપૂર્ણપણે ગુપ્તતા જાળવવાની સુચના આપવામાં આવતી હતી.
ખુદ પ્રાંતના લિડર્સે હોસ્પિટલોને નિર્દેશ આપ્યા હતાં કે, તેઓ કોરોના કેસ અંગે કોઈ માહિતી બહાર ન આપે. જોકે હોસ્પિટલના સ્ટાફ એ વાતથી વાકેફ હતો કે, આ વાયરસ જોખમી હોવાથી લોકોને સાવચેત કરવા આવશ્યક છે. ચીની પ્રશાસન ખુબ જ ધામધુમથી નવા વર્ષની ઉજવણી કરવાની તરફેણમાં હતુ. જયારે મેડિકલ સાથે સંકળાયેલા લોકો ઉજવણીને ટાળી વાયરસ ફેલાવાના જોખમને ટાળી દેવા માંગતા હતા. ચીને 2019માં 31 ડિસેમ્બરે ડબ્લ્યૂએચઓને કોરોનાના 27 કેસ વિશે રિપોર્ટ કર્યો હતો. જયારે વાયરસથી મોત થવાના 27 કિસ્સા અંગે WHOને છેક જાન્યુઆરીના મધ્ય ભાગમાં જાણ કરી હતી. 12 જાન્યુઆરીએ ચીને કોરોના વાયરસ માણસથી માણસમાં ફેલાય છે તેના કોઈ પાકા પુરાવા નથી તેવી ઉલ્લેખ પણ તેના રિપોર્ટમાં કર્યો હતો. જે બાદ 21 જાન્યુઆરીએ પહેલીવાર WHOએ કોરોના વાયરસને લઈને પોતાનો પહેલો રિપોર્ટ જાહેર કર્યો હતો. ત્યાં સુધી ચીનમાં 278 લોકો કોરોના પોઝિટિવ બની ગયા હતાં અને દુનિયાના ત્રણ દેશ સુધી કોરોના વાયરસ પહોંચી ગયો હતો. ડોક્યુમેન્ટ્રીમાં તાઈવાનના ડૉ યીન ચીંગે પણ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.