લદ્દાખ બોર્ડરે ભારત અને ચીની સૈનિકો વચ્ચે પાંચ મહિનાથી તણાવની સ્થિતિ રહી છે. જેને કારણે હવે બંને દેશના વેપાર પર પણ અશર થવા માંડી છે. અત્યાર સુધી સરકારે ચીની એપ પર પ્રતિબંધ મુક્યો હતો, જયારે હવે ભારતીય રેલવેએ ચીનને 1800 કરોડના પ્રોજેકટમાંથી આઉટ કરીને મોટો ઝટકો આપ્યો છે. વંદે ભારત ટ્રેન સેટ પ્રોજેક્ટમાં ટેન્ડરને મંજૂરી બાદ 44 ટ્રેન સેટ આઇસીએફને સોંપી દેવાશે. જે બાદ રેલવેની કોચ ફેક્ટરીઓમાં આઇસીએફની દેખરેખ હેઠળ ઉપલા માળખા બનાવાશે. દેશમાં દોડતા પહેલા બે વંદે ભારત ટ્રેન સેટ આઇસીએફ ચેન્નાઈ દ્વારા બનાવાયા હતા.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટ બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા લગભગ 1800 કરોડની યોજના બનાવાઈ છે. આ માટે કોન્ટ્રાકટ પદ્ધતિથી કામ કરવા કવાયત થઈ હતી. પરંતુ પ્રોજેક્ટમાં એક ચીની કંપનીના ટેન્ડરને ગેરલાયક ઠેરવાયું છે. ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ વંદે ભારત માટે 44 ટ્રેન સેટ બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું હતુ. 2019માં રેલવેએ વંદે ભારતના 44 ટ્રેન સેટ બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું હતું, પરંતુ તે પછી ચીની કંપનીએ ટેન્ડરના નિયમો અનુસાર નવી કંપની બનાવવાનું કામ કર્યું હતું, જો કે, તે પછી કોઈક કારણોસર આ ટેન્ડર જ રદ થઈ ગયું હતુ.
હાલ નવા ટેન્ડરમાં ચીને ફરી કામ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરીથી રેલ્વેએ ચીનને આ મેગા પ્રોજેક્ટથી દૂર કરી દીધું છે. ચીની કંપની CRRCએ પાયોનિયર ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ ઓફ ઇન્ડિયાના સંયુક્ત સાહસ તરીકે આ કામ મેળવવા કાર્યવાહી કરી હતી.
જો કે, તે કંપની ગેરલાયક ઠરતા હવે ફક્ત બે કંપનીઓ BHEL અને મેઘા સર્વો ડ્રાઇવ્સ આ ટેન્ડર માટે રેસમાં છે. મેઘા સર્વો કંપનીને અગાઉ બે ટ્રેન સેટ બનાવવા કોન્ટ્રાક્ટ મળ્યો હતો. દરમિયાન હાલના ટેન્ડર માટે માત્ર ત્રણ બિડ મળી હતી. જેમાં સીઆરઆરસી-પાયોનિયર ઇલેક્ટ્રિક ઇન્ડિયા જોઇન્ટ વેન્ચર પણ સામેલ હતી.
ટેન્ડર આવ્યા પછીની પ્રક્રિયા માટે રેલવેને ચાર અઠવાડિયા જેવો સમય લાગ્યો હતો. હવે રેલવે ટેન્ડર સમિતિ બોલીઓની માન્યતા અંગે નિર્ણય લેશે. આ ટેન્ડર માટે અરજી કરતા પહેલા સીઆરઆરસી-પાયોનિયર ઇલેક્ટ્રિક ઇન્ડિયાએ નોંધણીની પ્રક્રિયા કરી હતી.