દેશમાં હવામાનમાં ભારે ફેરફાર આવ્યો છે. ચોમાસુ બેઠા પછી અનેક વિસ્તારોમાં વરસાદ રીસાયો હતો. જો કે ફરીથી વરસાદે આગમન કરતાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વીજળી પડતાં લગભગ 60 લોકોના જીવ ગયા છે, તો બીજી તરફ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પડ્યો છે. જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે.
જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી હતી. વાદળ ફાટવાને કારણે ભારે વરસાદ પડ્યો છે અને તેને કારણે અનેક ઘરોને નુકશાન થયું છે. ચારેબાજુ કાદવ અને કાટમાળ ફેલાઇ ગયો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પણ પૂર જોવા મળી રહ્યા છે. કેટલાય લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વરસાદ બાદ ભારે પૂર આવ્યા છે. ધર્મશાળામાં રવિવારની મધ્યરાત્રી બાદ સતત ભારે વરસાદ પડી રહ્યો છે. ભગસુનાગમાં પાર્કિંગ પણ તળાવમાં ફેરવાઇ ગયું છે, જ્યારે રક્કડ વિસ્તારમાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કાંગડાના મટૌર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યા છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આભ ફાટ્યું હતું. ભારે વરસાદને કારણે નદીઓમાં પાણીની સપાટી ઘણી વધી ગઇ છે, તો રસ્તા પર પાણી ફરી વળ્યા છે. માંઝી નદીમાં ભારે પૂરને કારણે 10 દુકાનો અને ચાર પાંચ મકાનોને નુકશાન પહોંચ્યું છે. બદી ગ્રામ પંચાયત વિસ્તારમાં 10 દુકાનો અને ચાર પાંચ ઘરો નદીમાં તણાઇ ગયા છે. જો કે એ મકાનોમાં રહેતા લોકોને બચાવી લેવાયા હતા. ધર્મશાળામાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઋષિકેશ અને બદ્રીનાથ નેશનલ હાઇલે ભૂસ્ખલનને કારણે બંધ કરવો પડ્યો હતો.