ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં વિસ્તારો પ્રમાણે જુદી જુદી સ્થિતિ સર્જાઈ રહી છે. બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટીંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ ઉત્તર-મધ્ય ગુજરાત આ દિવસો જ કોરાકટ રહ્યા છે. જયારે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં હજી વરસાદ થવાની આગાહી થઈ છે. જેનું કારણ હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓરિસ્સાથી મધ્યપ્રદેશ તરફ આવી રહ્યું છે. તેથી મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન ખાતાના પૂર્વાનુમાન પ્રમાણે દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરકયુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. તેથી હવે અહીં પ્રથમ દિવસે ભારેથી અતિ ભારે વરસાદ થશે. લગભગ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શકયતા છે.
આ ઉપરાંત ભરૃચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવો સંજોગો છે. બીજી તરફ વડોદરા, નર્મદા, સુરત, નવસારી અને વલસાડમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી છે. મંગળવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં તો બુધવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મેઘરાજા તેની જોરદાર બેટીંગ કરે તેવી શકયતા છે. જયારે અત્યાર સુધી કોરોકટ રહેલા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આ પાંચ દિવસ દરમિયાન ગમે તે સમયે વરસાદ થઈ શકે છે. દેશના ઉત્તરીય-પૂર્વીય ભાગો તેમજ હિમાલયના ટોચના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે. અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાત, આણંદ, વડોદરા વગેરે ભાગોમાં હાલ હળવો વરસાદ થશે. ૨૨થી ૨૫ જુલાઈમાં કેટલાક ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના છે. સોમવારે ઉત્તર-મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ સામાન્ય વરસાદ થવાની સંભાવના રહેશે. તા.૨૨ થી ૨૫ જુલાઈના સમયમાં રાજ્યના ભાગોમાં સારો વરસાદ થશે.