ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના તાજેતરના નવીનીકરણમાં કથિત ‘અનિયમિતતા અને નિયમોના ઉલ્લંઘન’નું વિશેષ ઓડિટ કરશે. રાજ નિવાસના અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી.
હકીકતમાં, 24 મેના રોજ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ઓફિસે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને એક પત્ર મોકલ્યો હતો, જેમાં CAG દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરવામાં આવી હતી. પત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે ‘પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે મુખ્ય પ્રધાનના આવાસના પુનર્નિર્માણના નામે અનેક ઉલ્લંઘનો અને મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે’.
આ પછી, ગૃહ મંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલય દ્વારા મોકલવામાં આવેલી ભલામણ CAGને મોકલી હતી. આવી સ્થિતિમાં, CAG હવે દિલ્હીના સિવિલ લાઇન્સમાં 6, ફ્લેગ સ્ટાફ રોડ સ્થિત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન સંબંધિત કેસમાં વિશેષ ઓડિટ કરશે.
ભાજપે ગંભીર આક્ષેપો કર્યા હતા
જણાવી દઈએ કે સીએમ આવાસના પુનઃનિર્માણને લઈને ભાજપે આરોપ લગાવ્યો હતો કે PWDએ આ કામની કિંમત 7.62 કરોડ રૂપિયાથી વધારીને 33.20 કરોડ રૂપિયા ‘કોઈપણ મંજૂરી વગર’ કરી દીધી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ મામલે આરોપ લગાવ્યો હતો કે ‘CM કેજરીવાલના બંગલા માટે ખરીદેલા 8 પડદામાંથી એકની કિંમત 7.94 લાખ રૂપિયાથી વધુ હતી, જ્યારે તેમાંથી સૌથી સસ્તો 3.57 લાખ રૂપિયા હતો. બંગલા માટે 1.15 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માર્બલ વિયેતનામથી લાવવામાં આવ્યો હતો, જ્યારે 4 કરોડ રૂપિયા પ્રી-ફેબ્રિકેટેડ લાકડાની દિવાલો પર ખર્ચવામાં આવ્યા હતા.
બંગલા વિવાદ પર AAPની સ્પષ્ટતા
ભાજપના આ આરોપો પર પલટવાર કરતા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે આ વિવાદ વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યો છે. તે જ સમયે, પાર્ટીના અન્ય સાંસદ રાઘવ ચઢ્ઢાએ મીડિયાને જણાવ્યું કે, મુખ્યમંત્રી આવાસ 75-80 વર્ષ પહેલા 1942માં બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે દિલ્હી સરકારના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) એ ઓડિટ પછી તેના નવીનીકરણની ભલામણ કરી હતી.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ સમગ્ર મામલે દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. જેના પર મુખ્ય સચિવે 27 એપ્રિલે રિપોર્ટનો પહેલો ભાગ મોકલ્યો હતો અને ત્યારબાદ 12 મેના રોજ રિપોર્ટનો બીજો ભાગ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયને મોકલવામાં આવ્યો હતો.