જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં એક મહિનાથી કાતિલ ઠંડી પડી રહી છે. ઠેર ઠેર બરફવર્ષાને કારણે ઉત્તર ભારતના મેદાની રાજ્યોમાં પણ ઠંડીનો માહોલ જામી ગયો છે. શનિવારે પણ સમગ્ર કાશ્મીરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પરિણામે દલ સરોવર સહિત પાઈપોમાં પાણી થીજી ગયું હતું. શનિવારે કાશ્મીરમાં મોટાભાગનાં વિસ્તારોમાં થર્મોમીટનો પારો ફરી વધુ ગગડીને નીચે ગયો હતો. લગભગ મોટાભાગના વિસ્તારોમાં માઈનસ 8.2 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. આ સાથે જ કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું હતુ. ચિલ્લાઈ કલાન ૩૧મીએ પૂરું થાય તે પછી ૨૦ દિવસ ઠંડીનું જોર રહેવાની શકયતા છે. શુક્રવારે રાત્રે શ્રીનગરમાં માઈનસ ૭.૬ ડિગ્રી નોંધાયા બાદ શનિવારે લઘુત્તમ તપમાન માઈનસ ૮.૨ ડિગ્રી નોંધાતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. અહીં ગુરુવારે રાતે પણ માઈનસ ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શ્રીનગરમાં નોંધાયેલું આ તાપમાન ઈસ ૧૯૯૧ પછી નોંધાયેલું ઠંડામાં ઠંડું તાપમાન હતુ.
બીજી તરફ ગુલમર્ગમાં માઈનસ ૫.૪ ડિગ્રી તથા પહેલગામમાં માઈનસ ૯.૪ ડિગ્રી તપામાન નોંધાયું હોવાના અહેવાલો છે. આ ઉપરાંત કાઝીગુંડમાં માઈનસ ૧૦ ડીગ્રી, કુપવાડામાં માઈનસ ૬.૮ અને કોકરનાગમાં માઈનસ ૮.૭ ડિગ્રીએ પારો રહ્યો હતો. પહાડી પ્રદેશમાં છત્તીસગઢમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. વાતાવરણ તદન ઠંડુગાર બનતા અન્ય વિસ્તારો જશપુર, મેનપાટ, બિલાસપુર અને ચિલ્કી ઘાટીમાં બરફ વર્ષા સાથે શીતલહેર વર્તાય હતી. છત્તીસગઠ સહિતના ઉત્તરભારના રાજ્યમાં ૧૯મી સુધી ઠંડીનું જોર રહેવાની આગાહી છે. હરિયાણામાં ૨૬ જાન્યુઆરીએ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જયારે પંજાબમાં હવે ૩ દિવસ શીતલહેર ચાલુ રહે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર સહિતના પહાડી પ્રદેશમાં છેલ્લાં એક દોઢ મહિનાથી બરફ વર્ષા સાથે ઠંડીનો માહોલ છે. જેને પગલે ભારતના ઉત્તર વિસ્તારના રાજ્યો ઠંડાગાર બની ગયા છે.