અમેરિકા, કેનેડામાં હાલમાં ગરમ પવનોને કારણે છેલ્લાં સાત દિવસમાં 600થી વધુ લોકોના મોત થઈ ગયા છે. આ સ્થિતિનું કારણ ‘હીટ ડોમ’ જ હોવાનો દાવો સરકાર અને વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મીંગ સામે ઝઝમતી દુનિયામાં અનેકવાર અનેક હિસ્સામાં એવું વાતાવરણ સર્જાય છે કે જયાં હવાના ઉચ્ચ દબાણનું એક ક્ષેત્ર નીચેની હવાને બહાર નીકળતા અટકાવી દે છે. પરિણામે ગુંબજ જેવો આકાર સર્જાતા હવાને નીચે તરફ જ જતી રહે છે. આવા સંજોગોમા સામાન્ય કરતા અનેકગણુ તાપમાન વધી જાય છે. યુરોપ અને અમેરિકામાં હાલમાં રેકોર્ડબ્રેક ગરમી વર્તાય રહી છે તો બીજી તરફ 50 લાખની વસતી ધરાવતા ન્યૂઝીલેન્ડમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. બર્ફીલા તોફાનોના કારણે ન્યૂઝીલેન્ડમાં અનેક હાઈ-વે બંધ છે. રોજ અનેક ફ્લાઈટ રદ કરવી પડે છે.
ન્યૂઝીલેન્ડમાં સામાન્ય સંજોગોમાં જુલાઈના અંત કે ઓગસ્ટની શરૂઆતમાં હિમવર્ષા શરૂ થાય છે, પરંતુ આ વર્ષે આર્કટિક બ્લાસ્ટને કારણે એક મહિના પહેલા જૂનમાં જ હિમવર્ષા શરૂ થતા 55 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો છે. ન્યુઝીલેન્ડના હવામાન વિભાગના મતે જૂનમાં ન્યૂઝીલેન્ડનું તાપમાન 11થી 15 ડિગ્રી વચ્ચે રહે છે. આર્કટિક તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે સમુદ્ર કિનારે 12 મીટર ઊંચી લહેરો ઊઠી રહી છે. કરા સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે. દરમિયાન અનેક શહેરોનું તાપમાન 1 ડિગ્રીથી માઈનસ 4 ડિગ્રી સુધી નોંધાયું છે. ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં સ્ટેટ ઈમર્જન્સીની જાહેરાત કરાઈ છે. હિમવર્ષા ધરાવતા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જવાના નિર્દેશ અપાયા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ ઠંડીનો ચમકારો વધી શકે છે.
બીજી તરફ આ જ સમયગાળામાં કેનેડા અને અમેરિકાના મહત્તમ વિસ્તારોમાં વિપરિત સ્થિતિ છે. અહીં હીટ ડોમને કારણે ગરમીનો પારો 49 ડીગ્રી સે.ને આંબી ગયો છે. ઉત્તર અમેરિકામાં હીટ ડોમનું મુખ્ય કારણ પેસિફિક ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તાપમાનમાં મોટું અંતર હોય તે છે. આ રીતે ગ્રેડિયેન્ટ બનાવતી પાણીની ગતિ ગ્લોબલ વૉર્મિંગના કારણે બદલાય છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને આ દાવો કર્યો છે. વધુમાં અમેરિકાના હવામાન વિભાગના નિષ્ણાંતોએ સંભાવના વ્યકત કરી છે કે, ઉત્તર-પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં આગામી સપ્તાહ સુધી લૂ ફૂંકાશે. તેને કારણે અમેરિકામાં આગામી મંગળવાર સુધી તાપમાનમાં સરેરાશ 10થી 20 ડિગ્રીનો વધારો થવાની પ્રબળ સંભાવના છે. દુનિયાભરમાં મહત્તમ તાપમાન પર કરાયેલા 122 અભ્યાસમાંથી 90%માં જાણવા મળ્યું છે કે, મોટા ભાગના દેશોના લોકો અચાનક ફૂંકાતી લૂનો સામનો નથી કરી શકતા. એટલે આ સંશોધનોમાં સલાહ અપાઈ છે કે, તમામ દેશે લૂથી બચવા જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ.