જમ્મુ કાશ્મીર અને હિમાચલ સહિતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને કાતિલ ઠંડીને કારણે ઉત્તર ભારતમાં પારો ગગડીને 10ની નીંચે પહોંચી ગયો છે. 15 દિવસથી બદલાયેલા હવામાનની અસર ગુજરાત સુધી પહોંચી છે. વડોદરામાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અચાનક તાપમાન ગગડતાં સોમવારે મધરાતે ઊમિ બ્રિજની બાજુમાં ખુલ્લા મેદાનમાં જીવન ગુજારતા એક 40 વર્ષના અજાણ્યો પુરુષનું મોત થયું હતુ.
ગુજરાતમાં મંગળવારે ગાંધીનગર, પોરબંદર, કેશોદ, ડીસા, નલિયા, ગિરનાર અને કંડલા એરપોર્ટ ખાતે ગરમીનો પારો લઘુતમ તાપમાન ૮ ડિગ્રી કરતાં નીચે નોંધાયો હતો. આ સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ વર્તાયો હતો. અંબાજી-પાલનપુર નજીક આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને માઇનસ ૬ ડિગ્રીએ પહોંચી ગયો હતો.
આબુ શહેરમાં માઇનસ પાંચ ડિગ્રી અને ગુરુશિખર પર માઇનસ છ ડિગ્રી ઠંડી નોંધવામાં આવી હતી. બનાસકાંઠાના ડીસા શહેરમાં લઘુતમ તાપમાન ૬.૬ ડિગ્રી નોધાતાં છેલ્લા ૧૦ વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો હતો.
નલિયામાં ૨.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર ૨.૮ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. આબુના પોલોગ્રાઉન્ડમાં બરફ જામતાં કુલુ મનાલી જેવો અહેસાસ સહેલાણીઓને થયો હતો. અહીં કેટલાક સહેલાણીઓએ અહીં બરફ એકબીજા પર ઉછાળીને મજા માણી હતી, જોકે મોટાભાગના સહેલાણીઓ કાતિલ ઠંડીને કારણે બપોર સુધી બહાર નીકળ્યા જ ન હતા. માઉન્ટ આબુમાં મંગળવારે પણ ત્રણ હજારથી વધુ સહેલાણીઓ ઉમટયા હતા. બપોરે મહત્તમ તાપમાન ૧૬ ડિગ્રી નોંધાયું હતું. બપોર પછી સહેલાણીઓ ઠંડીથી બચવા માટે ગરમ ઉનનાં વસ્ત્રોની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે, તા.૩૦ અને ૩૧ ડિસેમ્બર બે દિવસ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાશે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં કોલ્ડવેવની સ્થિતિ રહેશે. જેમાં સૌથી વધુ ઠંડી કચ્છ અને સૌરાષ્ટ્રના પોરબંદરમાં પડે તેવી શક્યતા છે.
અમદાવાદમાં મંગળવારે લઘુતમ તાપમાનનો પારો ૨ ડિગ્રી જેટલો ઊંચકાયો હતો પરંતુ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. મંગળવારે વિવિધ શહેરોમાં નોંધાયેલા નીચા તાપમાનમાં અમદાવાદમા ૧૦.૨, ડીસા ૬.૬, ગાંધીનગર ૭.૫, રાજકોટ ૮.૩, પોરબંદર ૭.૮, સુરત ૧૨.૪, વડોદરા ૧૦, સુરેન્દ્રનગર ૧૦.૫, ભુજ ૯, નલિયા ૨.૭, ગિરનાર પર્વત ૨.૮, કંડલા પોર્ટ ૯.૫, કંડલા એરપોર્ટ ૭.૫, અમરેલી ૧૦.૨, ભાવનગર ૧૦.૯ તથા કેશોદમાં ૬.૨ ડીગ્રી જેટલું નીચું તાપમાન નોંધાયું હતુ. મંગળવારે અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૦.૧ ડિગ્રી રહ્યું હતુ. જે નોર્મલ તાપમાન કરતાં ૨.૧ ડિગ્રી નીચું હતું. જ્યારે મહત્તમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધવામાં આવ્યું હતુ. જે પણ નોર્મલ તાપમાન કરતાં ૩.૮ ડિગ્રી નીચું હતું