ગુજરાતમાં છેલ્લાં ચાર પાંચ વર્ષથી અંગદાન માટે વિશેષ જાગૃતિ આવી છે. સુરત અને અમદાવાદ તે બાબતમાં અગ્રેસર છે. સુરતમાં તો અંગદાન કરવા જાગૃતિ લાવવા માટે એક સંસ્થા પણ કાર્યરત છે. સુરતમાં છેલ્લાં 3 મહિનામાં પાચ લોકોએ પોતાના અંગદાન કરીને અન્યો માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. જેમાં એક કિસ્સામાં તો અઢી વર્ષના બાળકનું અંગદાન કરાયું હતુ. દરમિયાન જામનગરના 27 વર્ષના એક યુવાનના અંગ દાનથી અન્ય 3 લોકોની જીંદગી ખુશખુશાલ થઈ ગઈ છે. અમદાવાદમાં સારવાર માટે ખસેડાયેલા જામનગરના એક યુવાનને તબીબોએ ચાર દિવસ પહેલાં જ બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. જે બાદ તેના અંગદાનથી અન્યની જીંદગીમાં ખુશી વધી શકે તે માટે પરિવારને સમજણ અપાતા પરિવાર સમંત થઈ ગયો હતો.
ડોક્ટરોની સલાહ મુજબ મૃતકનું લીવર અને બન્ને કીડનીનું દાન કરાયું હતુ. આ મૃતક જામનગરના સુભાષ માર્કેટ વિસ્તારમાં રહેતો ખવાસ જ્ઞાતિનો લખમન દિનેશભાઈ પરમાર હતો. લખમન થોડા દિવસો પહેલાં કાલાવડના નિકાવા પાસે મંદિરે ગયો હતો. જયાંથી પરત થતી વખતે તેને અકસ્માત નડતાં તેને માથામાં ઈજા થઈ હતી. જે બાદ તેને જામનગરની સરકારી અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, તેની સ્થિતિમાં કોઈ સુધારો થતો ન હતો. આખરે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેના મગજનું ઓપરેશન કરાયું હતુ. જો કે, તમામ પ્રયાસ છતાં તેની સ્થિતિ બગડી હતી. આખરે ડોક્ટરોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. જે બાદ તબીબોની સલાહથી તેના અંગોનું દાન કરાયું હતુ. લીવર અને બન્ને કીડનીનું દાન થતાં 3 માનવજીંદગીમાં ખુશીના મોટા અવસર આવ્યા છે.