ગુજરાતના પાણીતાણા ખાતેના જૈનોના પવિત્ર યાત્રાધામ શ્રી શત્રુંજયગીરી મહાતીર્થમાં ગુરુવારથી પુન: પૂજાસેવાનો આરંભ થયો હતો. જો કે, કોવિડ 19ને કારણે માર્ચ 2020 બાદ જાહેરજનતા માટે બંધ કરાયેલા આ તીર્થધામ માટે હાલ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં કોવિડના કેસ હજી પણ હોવાથી સરકાર કોઈ જોખમ ઉઠાવવા માંગતી ન હોય, નવી માર્ગદર્શિકાના તમામ નિયમોનું કડકાઈથી પાલન કરવા યાત્રાધામના સંચાલકોને તાકીદ કરી છે. જૈનોના મુખ્ય તીર્થ શ્રી ગિરનારજી પર આવેલ શ્રી નેમિનાથ પરમાત્માના જિનાલયમાં પણ સેવા પૂજાનો લાભ માર્ગદર્શિકા અનુસાર સમિતિ સંખ્યામાં અપાશે. શંખેશ્વર પાર્શ્વનાથ જૈન તીર્થનો વહીવટ શેઠ જીવણદાસ પેઢી દ્વારા થાય છે. ત્યાં પણ પાંચ-પાંચ ભાવિકોને પૂજાના આદેશ અપાશે.
સરકારે જાહેર કરેલી ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ તીર્થધામે આવતા દરેક ભક્તે માસ્ક પહેરવા ઉપરાંત છ ફુટનું અંતર જાળવવુ ફરજિયાત રહેશે. આ ઉપરાંત હાથને સેનેટાઇઝ કરવા તથા શરીરનું તાપમાન ચેક કરાવ્યા બાદ જ તીર્થધામમાં પ્રવેશ કરવાનો રહેશે. જિનાલયમાં દર્શન-પૂજા માટે તમામને છુટ અપાઈ છે. પરંતુ તે માટે છ ફુટનું અંતર જાળવીને જ જિનાલયમાં પ્રવેશ અપાશે. બીજી તરફ ગીરીરાજ પર સ્નાન કરતા ભક્તોને નિરાશ થવું પડશે. કારણ કે, ત્યાં ન્હાવાની વ્યવસ્થા હજી પણ બંધ રખાશે. ગિરિરાજના મોટા રસ્તે હનુમાન ધારા પાસેથી અલગ અલગ પૂજા માટે જુદા જુદા પાસ ફાળવાશે. જે પાસ ફકત પૂજા કરવા આવતા યાત્રાળુઓને આપવાનો નિર્ણય કરાયો છે. જો કોઈ ભક્ત પુજા કરવા ઈચ્છે છે તો તેણે સવારે 8 થી 1 વાગ્યા દરમિયાન જ જિનાલયે આવવું પડશે. ગિરિરાજ ઉપર મૂળનાયક શ્રી આદિશ્વર જીનાલયોમાં સેવા પુજાનો લાભ બોલી શરુ થયા બાદ અપાશે. પક્ષાલ સવારે 9-30 કલાકે શરુ થશે તથા અન્ય પુજાની બોલીના આદેશવાળા ભાગ્યશાળીને સવારે 10 કલાકે સેવા પૂજાનો લાભ મળશે. ગર્ભગૃહમાં ચાર લાભાર્થી જ રહી શકશે. શ્રી આદિનાથ દાદાની આંગી માટે માત્ર પાંચ પાસ અપાશે. આંગી બપોરે 11 વાગે થશે. આ માટે ભક્તોએ સવારે 10 વાગ્યા સુધીમાં ત્યાંપહોંચી જવું પડશે. આરતી-મંગળ દીવાની બોલીનો લાભ બે ભાગ્યશાળીને જ આપવા જાહેરાત થઈ છે.