સોશિયલ મીડિયામાં અભિવ્યક્તિની આઝાદીનો ભરપુર લાભ ઘણાં સમયથી યુઝર્સ લઈ રહ્યા છે. પોત-પોતાના મંતવ્યો વ્યક્ત કરવા માટે આજે સમાચાર માધ્યમો કરતા પણ સોશિયલ મીડિયાનો પ્રભાવ વધી રહ્યો છે. આ પ્લેટફોર્મ પર કોઈ સંસ્થા, વ્યક્તિ કે કંપની વિશે ફરિયાદો સુચનો પણ લોકો બેરોકટોક મુકવા માંડ્યા છે. Facebook-Twitter પર યુઝર્સ કોઈ કંપની અને એપ્લિકેશનને ટેગ કરીને ફરિયાદ કરી રહ્યાનું પણ કેટલાક સમયથી ધ્યાને આવ્યું છે. જો કે, હવે કંપની સામે યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં કરાતી ફરિયાદ સમયે ખુદ ફરિયાદને જ મુશ્કેલીમાં મુકાવવું પડે છે. સાયબર પોલીસ દ્વારા ચેતવણી જાહેર કરાઈ છે કે, સોશિયલ મીડિયા પર કોઈ કંપનીને ટેગ સાથે કરાતી ફરિયાદ યોગ્ય નથી. આવા પ્લેટફોર્મના ઉપયોગ સમયે યુઝર્સ પોતે જ છેતરપિંડીનો ભોગ બને તેમ છે. કેટલાક ઠગ લોકો કેટલાક સમયથી કસ્મટર કેર એક્ઝિક્યુટીવના નામે ખેલ કરી રહ્યા છે. આવા લોકો તમારી પાસેથી પર્સનલ જાણકારી લઈ તમારા બેંક એકાઉન્ટ સાથે છેડછાડ કરી શકે છે.
ફરિયાદ સમયે સામાન્ય સંજોગોમાં કોઈપણ કંપની યુઝર્સ કે ગ્રાહકની ફાયનાન્શિયલ જાણકારી મંગાતી નથી. આ ઉપરાંત ઓટીપી, પાસવર્ડ કે એટીએમ પિન વિશે પણ કંપની પુછતાછ કરી શકતી નથી. જો કોઈ આ માહિતી તમારી પાસે માગે છે તો તમારે સતર્ક રહેવાની આવશ્યકતા છે. ખરેખર તો આવી કોઈપણ પ્રકારની માહિતી કંપનીને આપવાની હોતી નથી. જો તમે પણ આ રીતે ઠગના શિકાર બનો છો તો તમારો મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, એડ્રેસ અને ત્યાં સુધી કે પૈસા સાથે ખેલ થઈ શકે છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમે યુઝર્સને આ વાતની જાણકારી ટ્વીટ થકી આપી છે. જેમાં લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસે સુચન કર્યું હતુ કે, જો તમે પબ્લિક ફોરમ પર પોતાના વોલેટ, બેંક એપ્સ, એરલાઈન્સ અને અન્ય વસ્તુઓને લઈને ફરિયાદ કરો છો તો તમે સ્કેમર્સના શિકાર બની શકો છો. ફરિયાદ માટે ઓનલાઈન પદ્ધતિનો વિકલ્પ લેવો હોય તો યુઝર્સે કંપનીના ઈમેઈલ આઈડીનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ સિવાય કંપનીના કસ્ટમર કેર નંબર ઉપર પણ ફરિયાદ કરી શકાય છે. અન્ય સોશિયલ માધ્યમોનો ઉપયોગ તમારા માટે જોખમ નોતરી શકે તેમ છે.