ચીની રાજદૂત હાઓ યાંકીના જોરે નેપાળમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખવાના ચીનના મનસુબા પર પાણી ફરી રહ્યું છે. ભારત- અમેરિકાની મદદછી નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ સંસદ ભંગ કરી દેતા ચીન હાંફળુ ફાંફળું થઈ ગયું છે. આ ઝાટકા બાદ ચીને પોતાના મંત્રીના નેતૃત્વમાં ચાર ચીની નેતાઓએ નેપાળ મોકલ્યા છે. ભારત-અમેરિકાની નજીક નેપાળ પહોંચે નહીં, તેથી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના બંને જુથના નેતાઓ પીએમ ઓલી અને પુષ્પ કમલ દહલ ઉર્ફે પ્રચંડને મનાવવા માટે ચીન પ્રયાસ કરી રહ્યું છે. લદાખ સહિતની સરહદે ભારત સાથે પાંચ માસથી તણાવ સર્જી રહેલા ચીન માટે નેપાળનું સમર્થન ઘટવું મુશ્કેલીઓ નોતરી શકે છે. કારણ કે એક વર્ષ બાદ ભારત-નેપાળ વચ્ચે સંબંધોમાં ઓક્ટોબરથી ફરી મીઠાશ આવવાનું શરૃ થયું છે.
ઓક્ટોબરમાં ભારતીય ગુપ્તચર એજન્સી RAWના ચીફ, ભારતીય સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીંગલા નેપાળની મુલાકાતે ગયા હતાં. ભારતે ત્યારથી જ નેપાળ સાથે મિત્રતા વધારવાની દીશામાં પગલા શરૃ કર્યા હતા. આ ઉપરાંત અમેરિકાના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રીએ નેપાળમાં ચીનના વધતા પ્રભાવને રોકવા અને રણનૈતિક સહયોગ વધારવા માટે ભારતને ટકોર કરી હતી. આખરે ભારતે લીધેલા કુટનૈતિક પગલાને કારણે નેપાળમાં ફરી ચીન વિરોધી વલણ ઉભુ થયું છે. નેપાળના અખબારી અહેવાલો પ્રમાણે ગત મહિને નેપાળમાં કમ્યુનિસ્ટ પાર્ટીમાં આંતરિક અસંતોષ ભડકી રહ્યો હતો. ત્યારે ચીની રાજદૂત હાયો યાંકીએ પાર્ટીના ટોચના નેતાઓ અને રાષ્ટ્રપતિ બિંદિયાદેવી ભંડારી સાથે મુલાકાત કરી હતી. હાઓ યાંકીએ નેપાળના આ બંને જૂથ વચ્ચે શાંતિ સ્થપાય તેવા પ્રયાસ કર્યા હતાં. જો કે, ચીની રાજદૂતના આ પ્રયાસો થોડા સમય માટે સફળ રહ્યા હતા. જુલાઈમાં ફરીવાર બંને પક્ષો વચ્ચે વિવાદ સર્જાયો હતો.
જે વિવાદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. દરમિયાન ગત રવિવારે વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પ્રતિનિધિસભાને ભંગ કરવાના નિર્ણયથી ચીની રાજદૂત તથા બેઈજીંગમાં બેઠેલા તેના આકાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ઓલીએ આપેલા આંચકા બાદ ચીને હવે ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના વાઈસ મિનિસ્ટર ગુઓ યેઝોઉનીને રવિવારે કાઠમંડુ મોકલ્યા હતા. નિષ્ણાંતોના મતે નેપાળમાં સીપીએન-યૂએમએલ અને માઓવાદી જૂથને એકસાથે લાવવા ચીન એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ચીનના આ પ્રયાસના કારણે જ ભૂતકાળમાં નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી રચાઈ હતી. જો કે, હવે ઓલીના સંસદભંગના પગલાથી નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીમાં ભંગાણ પડી રહ્યું છે.
તેથી ચીનની ચિંતા વધી છે. ચીને પોતાના મંત્રીઓના એક પ્રતિનિધિમંડળને પણ નેપાળ રવાના કર્યું છે. નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા બર્શા માન પુને કહ્યું હતું કે, ચીની રાજદૂત બેઠક દરમિયાન એ વિશ્વાસ કેળવવા માંગતા હતા કે, વર્તમાનમાં પરિસ્થિતિઓમાં શું ચીની રોકાણને અસર થશે ? ચીન પોખરામાં આંતરરાષ્તટ્રીય એરપોર્ટ તૈયાર કરી રહ્યું છે અને કાઠમંડૂમાં રિંગ રોડનો વિસ્તાર પણ કરી રહ્યું છે. જો કે નિષ્ણાંતોના મતે રોકાણનુ તો માત્ર બહાનું છે. ખરેખર તો નેપાળને લઈને ચીનને પોતાની સુરક્ષાની ચિંતા છે. નેપાળના પૂર્વ રાજદૂત દિનેશ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, ચીને નેપાળમાં મોટું રોકાણ કર્યુ છે. જેના કારણે નેપાળમાં ચીનનુ પોતાનુ હિત સાચવવા તે તમામ પ્રયાસો કરવા માંડ્યું છે.