જુન મહિનામાં ચોસામાના આગમન સાથે જગતનો તાત ખુશ થઇ ગયો હતો. સમયસર ચોમાસું બેસે તો ખેતી સારી રીતે કરી શકાય, સમયસર કરી શકાય. જો કે છેલ્લા બે ત્રણ વર્ષથી જુનમાં ચોમાસું બેસી જાય પછી વરસાદ ખેંચાઇ જતો હોવાનો અનુભવ જોવા મળે છે. સ્વાભાવિક છે કે જુનમાં સારો વરસાદ થાય એટલે ખેડૂતો રોપણીમાં જોતરાતા હોય છે. રોપણી કે વાવણી થઇ જાય એટલે વરસાદ જરૂરી હોય છે. પરંતુ હાલ જુનમાં વરસાદ પડ્યા બાદ જાણે અદ્રશ્ય થઇ ગયો છે. વરસાદ ખેંચાતા રોપણી થયા બાદ ખેડૂતો ચિંતામાં મૂકાય એ સ્વાભાવિક છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર વધુ થાય છે. સૌરાષ્ટ્ર એકલામાં જ 20 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 9 લાખ હેક્ટર જમીનમાં મગફળી અને 8 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે. પરંતુ વાવેતર થયા બાદ વરસાદ ખેંચાઇ ગયો છે, જેને કારણે પાક મુરઝાઇ રહ્યો છે. વરસાદે શરૂઆત સારી કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ રીસાયો છે. હજુ પાંચ દિવસ સુધી વરસાદ પડે એવા કોઇ સંકેત છે. આ સંજોગોમાં પાણી નહીં મળે તો પાક સુકાઇ જવાની દહેશત વધી છે.
કચ્છ વિસ્તારમાં પણ કપાસ, મગફળી, તલ, દિવેલા તથા બીજા ખરીફ પાકોનું વાવેતર થઇ ગયું છે. જુનમાં ચોમાસું બેઠું અને હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી હતી, તેથી ખેડૂતોને આશા હતી કે ચોમાસું આ રીતે દગો દેશે નહીં. પરંતુ વાવેતર થઇ ગયા બાદ હવે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ હાથ તાળી આપી રહ્યો છે. વાદળીયું હવામાન જામે તો પણ પવનને કારણે વાદળો ખેંચાઇ જાય છે અને વરસાદ પડવાની આશા ઉપર પાણી ફરી વળે છે.
એ જ રીતે વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લામાં પણ ખેડૂતોને માથે આફતના એંધાણ છે. વડોદરા જિલ્લામાં 20 હજાર હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. પરંતુ વાવેતર થયા પછી પાણી જરૂરી હોય છે, તેના અભાવ ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાઇ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગર પકવતા ખેડૂતોને માથે ચિંતા છે. ડાંગરને વધુ પાણીની જરૂર હોય છે. પરંતુ રોપણી પછી વરસાદ રિસાયો છે, ત્યારે તેને મનાવવા માટે ખેડૂતો માનતા માની રહ્યા છે.