JEE Mainના ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષાઓ અંગે પ્રવર્તી રહેલી મૂંઝવણો આખરે દૂર થઈ ગઈ છે. કોવિડને કારણે મુકાયેલા પ્રતિબંધોથી દોઢ વર્ષથી ભારતમાં પણ શિક્ષણકાર્યને મોટી અસર થઈ છે. મોટાભાગની પરીક્ષાના કાર્યક્રમો રદ થઈ ગયા છે. જો કે, વિવિધ પ્રવાહના અભ્યાસમાં આગળ વધવા માટે જેઈઈ મેઈન પરીક્ષાનું આયોજન કરવું પડે તેમ છે. આ અંગે ઘણાં સમયથી ઉમેદવારો મૂંઝવણમાં મૂકાયા હતા.
દરમિયાન મંગળવારે આ વિશે સ્પષ્ટતા થવા સાથે કાર્યક્રમની જાહેરાત થઈ જતા દેશના લાખો વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર થઈ ગઈ છે. મંગળવારે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નિશંકે આ અંગે ફોડ પાડતા કહ્યું હતુ કે, JEE Mainની ત્રીજા તબક્કાની પરીક્ષા 20 જુલાઈથી 25 જુલાઇ, 2021 દરમિયાન લેવાશે. જ્યારે JEE Mainની ચોથા તબક્કાની પરીક્ષાનું જે આયોજન આ પહેલાં મે મહિનામાં હતુ પરંતુ યોજાઈ શકી ન હતી, તે જ પરીક્ષા હવે 27 જુલાઇથી 2 ઓગસ્ટ 2021 દરમિયાન લેવામાં આવનાર છે. રમેશ પોખરીયાલ નિશંકે વધુમાં કહ્યું હતુ કે, આ પહેલાં જે કોઈ વિદ્યાર્થીઓ અરજી કરી શક્યા ન હતા, તેઓને પણ હજી અરજી કરવાની તક આપવામાં આવશે. તેઓ 6 જુલાઈની રાતથી 8 જુલાઇ 2021ની રાતે 11.50 વાગ્યા સુધીમાં પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી શકશે.
જયારે જીઈઈની ચોથા તબક્કાની પરીક્ષા માટેની અરજી 9 જુલાઈથી 11 જુલાઇ દરમિયાન કરી શકાશે. આ પહેલા શિક્ષણ પ્રધાને ટ્વીટ કરીને વિદ્યાર્થીઓને આ અંગેના સંકેત આપ્યા હતા. તેમણે પોતાના ટ્વિટમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા લખ્યું હતુ કે, ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા હતા, જે JEE ની પરીક્ષા અંગેની મૂંઝવણોનો ટૂંક સમયમાં જ અંત આવનાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ચાલુ વર્ષે ચાર તબક્કામાં જેઇઇ મેઈન પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. જેમાં ફેબ્રુઆરી અને માર્ચમાં આ આયોજન પાર પાડવાની નેમ રાખવામાં આવી હતી. જ્યારે ત્રીજા અને ચોથા તબક્કાની પરીક્ષા એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવી પડી હતી.