ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ સંગઠનને મજબૂત બનાવવાની કવાયત તેજ કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શંકરસિંહ વાઘેલાને ફરી એકવાર કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. સર્વોદય વેલ્ફેર સોસાયટીની ડાયરીના વિમોચન કાર્યક્રમમાં જગદીશ ઠાકોર અને શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ઠાકોરે વાઘેલાને કોંગ્રેસમાં પાછા ફરવાનું આમંત્રણ આપ્યું છે.
જગદીશ ઠાકોરે કોંગ્રેસ છોડીને આવેલા શંકરસિંહ વાઘેલાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે સંઘર્ષનું બીજું નામ શંકરસિંહ બાપુ છે. શંકરસિંહના વખાણ કરતાં ઠાકોરે તેમને આડકતરી રીતે કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ પણ આપ્યું હતું. ઠાકોરે કહ્યું કે મને આશા છે અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં શંકરસિંહ વાઘેલા આપણને માર્ગદર્શન આપશે અને ગુજરાતનું ભવિષ્ય તેમના ચરણ કમળથી લખાશે.
કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો જગદીશ ઠાકોરે પાટીદારોના સામાજિક આગેવાનો તેમજ કોંગ્રેસના જૂના દિગ્ગજોને જોડવાના એક્શન પ્લાનના ભાગરૂપે શંકરસિંહ વાઘેલાને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. બીજી તરફ પાટીદારોના આસ્થાના કેન્દ્રના વડા નરેશ પટેલની સાથે પાટીદારોના નેતા અલ્પેશ કથીરિયા પણ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ આ સંદર્ભમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા, નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયાનું પક્ષમાં સ્વાગત છે.