રાજ્યમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી પૂરી થઈ. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ જીતશે જ એ સ્પષ્ટ હતું. કારણ કે શહેરોમાં ભાજપ હંમેશા જીતે છે. આમ પણ ભાજપ શહેરી વિસ્તારનો પક્ષ ગણાય છે. પંચાયત ચૂંટણીમાં ભાજપને જોઈએ એવી સફળતા મળતી નહોતી. આથી આ વખતે ભાજપે દાવ માર્યો. મહાનગરપાલિકાની ચૂંટણી વહેલી કરાવી તેનાં પરિણામો પણ જાહેર કરી નાંખ્યાં. કોંગ્રેસે આની સામે ઘણો વિરોધ કર્યો. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી પણ તેની તરફેણમાં ચુકાદો આવ્યો નહીં. પરિણામે મહાનગરપાલિકાના પરિણામની અસર કંઈક અંશે પંચાયત ચૂંટણીમાં જોવા મળી.
કોંગ્રેસ કદાચ લડવાની ઈચ્છા જ ગુમાવી ચૂકી છે. જુસ્સો જ નથી. ટોચની નેતાગીરી પણ ગંભીર હોય એમ લાગતું નથી. કાર્યકારી પ્રમુખથી પક્ષ ચાલી રહ્યો છે. આટલાં મહત્વના રાજ્યોમાં ચૂંટણી હોવા છતાં કોઈ તૈયારી નથી. માત્ર અને માત્ર ઈતિહાસને વાગોળ્યા કરવાથી જૂના દિવસો પાછા નથી આવવાના. જમીની સ્તરે જે કામ થવું જોઈએ તેનો બિલકુલ અભાવ છે. ભાજપ એ રીતે ઘણું સક્રિય છે. લોકોનો સંપર્ક જાળવી રાખ્યો છે એટલું જ નહીં બલકે વધાર્યો છે.
કોંગ્રેસમાં નેતાઓની ભરમાર છે. નીચલા સ્તરે કામ કરવા કાર્યકારો જ નથી. નેતાઓ સ્ટેજ પર ગોઠવાઈ જાય છે. હકીકતમાં લોકોની વચ્ચે જવાનું હોય, સરકાર સામે આંદોલન કરવાના હોય, લોકોની સમસ્યાઓને વાચા આપવાની હોય એવું કશું જ કોંગ્રેસ કરતી નથી. આથી જ લોકોનો સહયોગ તેને પ્રાપ્ત થતો નથી.
સવાલ એ છે કે કોંગ્રેસ પાસે કોઈ વિકલ્પ છે ખરો ? 2022માં ગુજરાત વિધાનસભાની અને 2024માં લોકસભાની ચૂંટણી આવશે. કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે આ બન્ને ચૂંટણીમાં કોંગ્રેસ કશું ઉકાળી શકે તેમ નથી. કોંગ્રેસમાં શાણપણ હોય તો 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી તથા 2029ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી તૈયારી શરુ કરે તો તેને કંઈક પરિણામ મળી શકે તેમ છે અને એ માટે પણ જમીની સ્તરે કામ કરવું પડશે. કોંગ્રેસે ટોચની નેતાગીરીની સાથે પ્રદેશ નેતાગીરી પણ બદલવી પડશે.
સૌથી પહેલા તો કોંગ્રેસે નક્કી કરવી કરવું પડશે કે એણે જીતવું છે. રાજકીય ઈચ્છા શક્તિ બતાવવી પડશે. વળી, ચૂંટણીમાં જીતનારા પક્ષ છોડીને જાય નહીં એની પણ કાળજી રાખવી પડશે. એવા ઉમેદવારો નક્કી કરવા પડશે કે જેઓ પોતાના સ્વાર્થ કરતાં વફાદારીને મહત્વ આપે. તાજેતરના ભૂતકાળમાં જોયું છે કે કોઈ પણ કારણસર કોંગ્રેસના ધારાસભ્યો પક્ષ પલટો કરી નાખે છે. આ બધું અટકાવવા ટોચની નેતાગીરી સ્થિર થાય એ જરૂરી છે. આ લાંબી કવાયત છે. એટલે જ જો કોંગ્રેસ 2027ની વિધાનસભા અને 2029ની લોકસભાની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરુ કરે તો તેમનો ઉધ્ધાર થશે.
પરિણામ પછી વિશ્લેષણનો કોઈ મતલબ હોતો નથી પણ હારેલા પક્ષ માટે એ મહત્વનું હોય છે. કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી સત્તાની બહાર છે. દરેક ચૂંટણીમાં માત્ર વાત થાય છે પણ નક્કર કામ થતું નથી. ઉત્તરોત્તર કોંગ્રેસ વધુ ઘસાતી જાય છે. આથી હતાશા, નિરાશામાં તેઓ વધુ ભૂલ કરે છે.
એવું નથી કે ભાજપે બહુ સારા કામ કર્યા છે એટલે એને મત મળે છે પણ હકીકતમાં કોંગ્રેસે અસરકારક વિપક્ષની ભૂમિકા ભજવી નથી એટલે કોઈ વિકલ્પ નહીં હોવાથી એને મત મળે છે. કેજરીવાલ અને ઓવૈસીનો પ્રવેશ પણ એટલે જ છે. થાકી હારીને આ બે પક્ષને મત મળે છે. જોખમ ભાજપ માટે વધારે છે કારણ કે એને ગુમાવવાનું વધારે આવી શકે. પંચાયતની ચુંટણીમાં ભાજપને તેના ઈતિહાસમાં ક્યારેય ના મળી હોય એટલી બેઠકો મળી છે. ભવિષ્યમાં આનું પુનરાવર્તન થવાની શક્યતા નથી. એટલે જોખમ ભાજપના પક્ષે વધી ગયુ છે.