ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ફેબ્રુઆરીના અંતિમ તબક્કામાં ચૂંટણી યોજવાની તંત્રની કવાયત સાથે રાજકીય પાર્ટીઓએ પણ ધમધમાટ વધારી દીધો છે. રાજ્યમાં મુખ્ય બે પક્ષ ગણાતા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારના ગુરુવાર સુધીમાં સેન્સ લેવાયા હતા. જે બાદ શુક્રવારથી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકોમાં નિરિક્ષકો દ્વારા તૈયાર કરાયેલી યાદી વિશે ચર્ચા શરૃ કરાઈ હતી. બીજી બાજુ ગત ચૂંટણીમાં 27 જિલ્લા પંચાયત પર કબજો કરનાર કોંગ્રેસ પણ સત્તા જાળવી રાખવા માંગે છે. તેથી ટિકિટોની ફાળવણી માટે ગુજરાત કોંગ્રેસ ગંભીરતાથી પગલા લઈ રહી છે. હજારોની સંખ્યામાં ચૂંટણી લડવા માટે દાવેદારી કરાતા જ કોંગ્રેસ માટે પસંદગી માથાનો દુખાવો બની છે. કોંગ્રેસ માટે ઉમેદવારોનું લિસ્ટ ફાઈનલ કરવા માટે ભારે મથામણ કરવામાં આવી રહી છે.
બીજી તરફ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય તે પહેલાં જ કોંગ્રેસનાં નેતાઓને ધમકીઓ પણ મળવા લાગી છે. NSUI દ્વારા અમદાવાદમાં 5 ટિકિટ આપવાની માંગ સાથે જ ધમકી અપાયાના સમાચાર છે. ટિકિટ નહીં આપે તો બળવો કરવાની ચીમકી પણ અમદાવાદમાં યુવા કાર્યકરોએ આપી છે. તેથી લિસ્ટ જાહેર કર્યાં બાદ કોંગ્રેસમાં મોટો વિવાદ સર્જાય શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ 1 ફેબ્રુઆરીથી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરાશે. જેમાં ત્રણ તબક્કામાં ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવા પાર્ટીએ નિર્ણય કર્યો છે. કોઈ અસંતોષ કે વિવાદ ઉભો ન થાય તે માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે રાખેલી બેઠકને કોઈ ગુપ્ત સ્થળે યોજવા પાર્ટીએ કવાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા મનપા માટે 1 ફેબ્રુઆરી બાદ નામોની યાદી જાહેર થશે. પ્રથમ તબક્કામાં સિંગલ નામોની યાદી જાહેર થયા બાદ બીજા તબક્કામાં વિવાદવાળી બેઠકો માટે ઉમેદવારો જાહેરાત કરાશે. વિવાદ ઉકેલાયા બાદ અંતિમ યાદીની જાહેરાત થશે. 5 ફેબ્રુઆરી સુધી તમામ બેઠકો પર ટીકિટ ફાળવી દેવાનો કોંગ્રેસનો ટાર્ગેટ છે.