દેશમાં વિધાનસભામાં અનેકવાર ચૂંટાયેલા સભ્યો જાણે કે સમય પસાર કરવા જતા હોય તેમ ચાલુ સત્રમાં પણ અવનવી હરકતો કરતા પકડાય છે. હાલમાં કર્ણાટક વિધાનસભામાં કોંગી ધારાસભ્ય પ્રકાશ રાઠોડ પોતાના ફોનમાં પોર્નોગ્રાફિક સાહિત્ય સ્ક્રોલ કરતા કેમેરામાં ઝડપાઈ ગયા હતા. ધારાસભ્યની આ હરકત અંગેની ક્લિપનું કર્ણાટકની કેટલીક સ્થાનિક ચેનલો પર પ્રસારણ થઈ જતા રાજકીય વર્તુળમાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ઘટના બાદ ધારાસભ્ય પ્રકાશ રાઠોડે આ વીડિયો ક્લીપ બોગસ હોવાનું અને તે પોતે આ ક્લિપ ન હોવાનું કહીને તેના પર મુકાયેલા આક્ષેપોને ફગાવી દીધા છે. કર્ણાટકમાં ઝડપથી ફેલાય રહેલી એક વીડિયો ક્લિપમાં વિધાનસભામાં બેઠેલા સભ્યો દેખાય છે. આ સાથે જ સભામાં ચાલુ સત્રમાં એક સભ્ય પોતાના મોબાઇલ ફોનમાં કેટલાક અશ્લીલ દૃશ્યોને નિહાળી રહ્યો છે. આ દ્રશ્યોને ત્યાંની સ્થાનિક ચેનલોએ તેના પ્રસારણ દરમિયાન ઝાંખા કરી દીધી હતી. મીડિયામાં અહેવાલો ફેલાતા કોંગી સભ્યનું નામ ઉછળ્યું હતુ. તેથી પ્રકાશ રાઠોડે સમક્ષ ખુલાસો કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારને પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એક પ્રશ્ન પૂછવા મોબાઇલ પર સ્ટોર કરેલી કેટલીક માહિતી શોધી રહ્યો હતો. અને સ્ટોરેજ ફુલ થઈ ગયું હોવાથી મોબાઇલ પર પોતે પ્રાપ્ત કરેલું કેટલુંક કન્ટેન્ટ ડિલીટ કરી રહ્યા હતા. હું માહિતી શોધી રહ્યો હતો. પરંતુ સંખ્યાબંધ સંદેશા આવ્યા હતા અને સ્ટોર ફુલ હોવાથી તે સંદેશા ડિલીટ કરી રહ્યો હતો. પરંતુ આમ છતાં મારા નામે ખોટો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ વિવાદમાં કુદી પડેલા ભાજપે આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના નેતા પ્રકાશ રાઠોડનું ચાલુ વિધાનસભામાં આ પ્રકારનું કૃત્ય ગૃહની ગરિમાને લાંચન લગાડે છે. તેથી તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. ભાજપ પ્રવક્તા એસ.પ્રકાશે આ મામલે સ્પીકર સમક્ષ રજૂઆત કરવાની કેફિયત પણ રજૂ કરી હતી.