ભારતમાં કોરોનાની બીજી લહેરની અસર દેશના 10થી વધુ રાજ્યોમાં મોટાપ્રમાણમાં વર્તાવા માંડી છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ તથા પંજાબ જેવા રાજ્યો સૌથી વધુ પ્રભાવિત છે. બીજી તરફ કોરોનાની વકરી રહેલી સ્થિતિને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે. શનિવારે દેશમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 41 હજાર ઉપર પહોંચ્યો હતો. કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર હરકતમાં આવી ગઈ છે. મધ્યપ્રદેશમાં ચોહાણ સરકારે શુક્રવારે સાંજથી જ 3 મોટા શહેરોમાં લોકડાઉન લાદી દીધું હતુ. આ સાથે જ મહારાષ્ટ્ર તરફથી થઈ રહેલી અવરજવર અટકાવી દીધી હતી. પંજાબ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં 31 માર્ચ સુધી શાળા કોલેજો બંધ રાખવાની જાહેરાત પણ કરાઈ છે.
આ ત્રણ રાજ્યોમાં સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. સુત્રોના જણાવ્યા મુજબ સ્થિતિ જલ્દી નહીં સુધરે તો શહેરોમાં કડક પ્રતિબંધો આવી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ શનિવારે મુંબઈમાં 3000થી વધુ બલ્ડ સેમ્પલના રિપોર્ટમાં કોરોના હોવાની પૃષ્ટિ થઈ હતી. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 27126 નવા કેસ મળતાં જ આરોગ્ય તંત્રની દોડધામ વધી ગઈ છે. મુંબઈમાં રેન્ડમ ટેસ્ટિંગ વધારવા માટે સરકારે આદેશ જારી કર્યા છે.
આ સાથે જ ટેસ્ટ નહીં કરાવનાર સામે કેસ દાખલ કરવા સુધીની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત નાગપુરમાં કોરોના પોઝિટવ કેસની સંખ્યા 3900 નોંધાઈ હતી. આ સ્થિતિ જોતાં તંત્ર દ્વારા અહીંયાં 31 માર્ચ સુધી લૉકડાઉન લંબાવી દેવાયું છે. નાગપુરમાં શાકભાજી અને જીવનજરૂરિયાતની વસ્તુઓની દુકાનોને 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છુટ અપાઈ છે.
વધુમાં રાજ્યમાં સ્થિતિ વકરશે તો સંપૂર્ણ લૉકડાઉનના સંકેતો પણ ઠાકરેએ આપ્યા છે. મહારાષ્ટ્રમાં 20 દિવસથી કોરોનાના કેસ વધી ગયા છે. અહીં વિવિધ શહેરોમાં કોરોનાગ્રસ્તોની વધી રહેલી સંખ્યાએ ઠાકરે સરકારની ચિંતા વધારી છે. શનિવારે મહારાષ્ટ્રના મંત્રી અને યુવા નેતા આદિત્ય ઠાકરેનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો.
ઘટના બાદ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા તાકીદ કરી હતી.