લોકતાંત્રિક રીતે ચૂંટણી પ્રણાલી, રાજકીય પક્ષો અને નેતાઓ પર નજર રાખતી સંસ્થા એડીઆરના રિપોર્ટ અનુસાર ભાજપ સૌથી ધનિક પાર્ટી છે અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી બીજા નંબરે છે. રિપોર્ટ અનુસાર ભાજપ પાસે 4847.78 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે BSP પાસે 698.33 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ વર્ષ 2019-20માં પ્રાદેશિક અને રાષ્ટ્રીય રાજકીય પક્ષોની સંપત્તિ અને જવાબદારીઓના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં લગભગ 7 રાષ્ટ્રીય પક્ષો અને 44 પ્રાદેશિક પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2019-20માં, સાત રાષ્ટ્રીય પક્ષોએ 6,988.57 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી અને 44 પ્રાદેશિક પક્ષોએ 2,129.38 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી. તેમાંથી ભાજપે લગભગ 4847.78 કરોડની મહત્તમ સંપત્તિ જાહેર કરી છે. આ પછી BSPએ 698.33 કરોડ અને કોંગ્રેસે 588.16 કરોડ જાહેર કર્યા.
બીજી તરફ, તમામ 44 પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલી સંપત્તિઓમાંથી માત્ર ટોચના 10 પ્રાદેશિક પક્ષો પાસે લગભગ 95 ટકા સંપત્તિ છે. ટોચના દસ પ્રાદેશિક પક્ષો પાસે કુલ 2,129.38 કરોડમાંથી 2028.715 કરોડની સંપત્તિ છે. પ્રાદેશિક પક્ષોમાં, સમાજવાદી પાર્ટી પાસે સૌથી વધુ 563.47 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિ છે અને ત્યારબાદ TRS પાસે 301.47 કરોડ રૂપિયાની જાહેર સંપત્તિ છે. બીજી તરફ, AIDMKએ 267.61 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. પ્રાદેશિક પક્ષો દ્વારા જાહેર કરાયેલ કુલ સંપત્તિમાં ફિક્સ્ડ ડિપોઝિટનો હિસ્સો સૌથી વધુ છે. નાણાકીય વર્ષ 2019-20 મુજબ, પ્રાદેશિક પક્ષો પાસે ફિક્સ ડિપોઝિટ લગભગ 1,639.51 કરોડ રૂપિયા હતી.
રિપોર્ટ અનુસાર, સપાએ રૂ. 434.219 કરોડ, TRS રૂ. 256.01 કરોડ, AIDMK રૂ. 246.90 કરોડ, ડીએમકે રૂ. 162.425 કરોડ, શિવસેનાએ રૂ. 148.46 કરોડ, BJDએ રૂ. 118.425 કરોડ ફિક્સ ડિપોઝીટમાં જાહેર કર્યા છે. પ્રાદેશિક પક્ષોએ પણ 2019-20માં લગભગ 60 કરોડની જવાબદારી જાહેર કરી હતી.
જ્યારે રાષ્ટ્રીય પક્ષોમાં, ભાજપે રૂ. 3,253.00 કરોડ અને બસપાએ રૂ. 618.86 કરોડ ફિક્સ ડિપોઝીટ તરીકે જાહેર કર્યા હતા. બીજી તરફ કોંગ્રેસે ફિક્સ ડિપોઝીટમાં 240.90 કરોડ જાહેર કર્યા છે. રાષ્ટ્રીય પક્ષોએ નાણાકીય વર્ષ 2019-20માં કુલ રૂ. 74.27 કરોડની જવાબદારીઓ જાહેર કરી હતી.