ગુજરાતમાં કોરોના વાયરસે ફરી રફતાર પકડી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. શુક્રવારે સાંજ સુધીના વીતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા ૭૧૫ નાગરિકો વાયરસની ચપેટમાં આવ્યાની પૃષ્ટિ બ્લડ સેમ્પલની તપાસમાં થઈ હતી. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૪,૦૦૬ નોંધાઈ હતી. જયારે ૫૧ દર્દી વેન્ટિલેટર પર હોવાનું આરોગ્ય ખાતાના સુત્રોએ જણાવ્યું હતુ. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરતમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. શુક્રવારે અમદાવાદ-સુરત-વડોદરા એમ ૩ જિલ્લામાં ૧૦૦થી વધુ એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૧૮૩-ગ્રામ્યમાં ૧૩ સાથે ૧૯૬, અમદાવાદ શહેરમાં ૧૪૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪ સાથે ૧૪૫, જ્યારે વડોદરા શહેરમાં ૯૧ તથા ગ્રામ્ય વિસ્તારમાં ૨૬ સાથે ૧૧૭ નવા કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા હતા.
આ ઉપરાંત રાજકોટમાં 69, ભાવનગરમાં 20, ગાંધીનગરમાં 18, ભરૃચમાં 14, કચ્છમાં 13, પંચમહાલ-મહેસાણા-ખેડામાં 12, આણંદ-જુનાગઢમાં 9, મોરબી-પાટણમાં 8, સાબરકાંઠામાં 6, નર્મદા-ગીર સોમનાથ-અરવલ્લીમાં 5, મહીસાગર 4, બનાસકાંઠા-નવસારીમાં 3 તેમજ વલસાડ-તાપી અને છોટા ઉદેપુરમાં 2-2 કેસ નોંધાયા હતા. શુક્રવારે ગુજરાતમાં એકસાથે વધુ 715 કેસ ઉમેરાજા દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને આવ્યું છે. શુક્રવારે 495 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. જયારે આ જ સમયગાળામાં રાજ્યમાં કુલ 1,49,640 વ્યક્તિઓએ કોરોનાની વેકસીન લીધી હતી.