મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના છ હજારથી વધુ નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. જયારે આ જ સમયમાં મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત 51 લોકોએ દમ તોડી દીધા હતા. આ ઘટનાને પગલે ઉદ્ધવ સરકારની ચિંતા અને આરોગ્ય વિભાગની દોડધામ વધી ગઈ છે. અકોલામાં કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ વાયરસના ચેપના કેસમાં ઉછાળો નોંધાયો છે. મંગળવારે સાંજ મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યું કે સોમવારે રાજ્યમાં કોરોના સંક્રમિત એવા 5210 નવા કેસ નોંધાયા હતા. જ્યારે મંગળવારે 6218 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી. આ સાથે જ રાજયમાં કુલ સંક્રમિતોનો આંકડો વધીને 21,12,312 ઉપર પહોંચી ગયો છે.
10 ફેબ્રુઆરી પછી રાજ્યમાં દરરોજ કોરોનાના કેસની સંખ્યામાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં કોરોનાની સારવાર લઈ રહેલા 51 સંક્રમિતોએ દમ તોડી દીધો હતો.
આ સાથે જ મૃત્યુઆંક 51,857 પર પહોંચી ગયો છે. સાત મોત ગત સપ્તાહે અગાઉના સમયગાળામાં થયા હતા. વિદર્ભમાં સૌથી વધુ 1392 કેસ અકોલામાં મળ્યા છે, જ્યારે મુંબઈમાં 1250 કેસની પુષ્ટિ થઈ છે. અકોલામાં અમરાવતી, યવતમાલ, બુલઢાના, વાશીમ અને અકોલા જિલ્લામાં આશ્ચર્યજનક રીતે સંક્રમણ વધ્યું છે. હાલ અકોલા એ મહારાષ્ટ્રમાં કોવિડ -19નું નવું કેન્દ્ર બની ગયું છે. મહારાષ્ટ્રમાં, 53,409 લોકો હાલ કોરોના અંગેની સારવાર લઈ રહ્યા છે, જ્યારે 20,05,851 લોકો સંક્રમણ મુક્ત થયા છે. હાલમાં, 2,79,288 લોકો ઘરની ક્વોરન્ટાઇનમાં છે.
પૂના ડિવિઝનમાં પણ મુંબઈ ડિવિઝન કરતા કોરોનાના કેસ વધુ નોંધવામાં આવ્યા છે. અહીં 1288 લોકોને ચેપ લાગ્યો હોવાના પૃષ્ટિ થઈ છે.
પુના વિસતારમાં મૃત્યુઆંક 11,716 પર પહોંચી ગયો છે. અકોલા વિભાગમાં અમરાવતી મહાનગર હેઠળ આવતા વિસ્તારોમાં કોરોનાના 515 નવા કેસ મળ્યા હતા. અકોલા શહેરમાં 121, યવતમાલમાં 165 અને બુલઢાનામાં 161 કેસ નોંધાયા છે. મુંબઈમાં પણ ધીમે ધીમે કોરોના ગતિ પકડવા માંડ્યો છે. અહીં આઠ વધુ સંક્રમિતોના મોત બાદ મૃત્યુ પામનારની સંખ્યા 11,454 પર પહોંચી ગઈ છે. ઔરંગાબાદમાં વાયરસના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દેવાયો છે. આ પ્રતિબંધ આગામી 8 માર્ચ સુધી ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરાઈ છે. પોલીસ કમિશનર નિખિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, દિવસ દરમિયાન વહીવટી અધિકારીઓએ નાગરિક સંસ્થા અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ઔદ્યોગિક ક્ષેત્ર, તબીબી સેવાઓ અને જાહેર પરિવહનને પ્રતિબંધોમાંથી મુક્તિ રહેશે. ઔરંગાબાદ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 50 હજારની નજીક પહોંચી રહી છે.