યરોપિયન દેશ સહિત કુલ 16 દેશમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનના ફેલાવાનો ભય વ્યાપી ગયો છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનાના 8,11,42,113 કેસ નોંધાયા છે. જયારે બ્રિટનમાં 10 દિવસ પહેલાં જોવા મળેલા કોરોનાના નવા સ્ટ્રેનથી ત્યાં સરકારે પ્રતિબંધો લાગુ કર્યા છે. આમ છતાં યુકેમાં વૈજ્ઞાનિકો લોકડાઉનની માગણી કરી રહ્યા છે. સંશોધકોના મતે નવો સ્ટ્રેન નાગરિકોને વધુ નુકસાન કરી શકે તેમ છે. હજી તે અંગે પુરતો અભ્યાસ પણ નથી થયો, તેવા સંજોગોમાં તેની સામે વેકશિન કેટલી અસરકારક નિવડશે તેવો સવાલ પણ છે. આવા સંજોગોમાં બ્રિટનમાં કોરોનાનું સંક્રમણ રોકવું હોય તો એક માત્ર લોકડાઉન જ વિકલ્પ છે.
મળતી વિગતો મુજબ એક વર્ષથી દુનિયામાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસના કુલ સંક્રમિતોનો આંકડો ૮,૧૧,૪૨,૧૧૩ થઈ ગયો છે. આ રોગચાળામાં અત્યાર સુધીમાં કુલ ૧૭.૭૨ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે, અત્યાર સુધીમાં કોરોનામાં સપડાયા બાદ સારવાર લઈને ૫.૭૩ કરોડ લોકો સાજા પણ થઇ ગયા છે. ફ્રાન્સમાં શનિવારથી જ વેક્સિનેશનનો આરંભ થયો હતો. રવિવારે ફાઇઝર અને બાયોએનટેક દ્વારા ડેવલપ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ ૭૮ વર્ષની વૃદ્ધાને અપાયો હતો. બીજી તરફ વુહાનથી કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો અહેવાલ આપનાર એક મહિલા જર્નાલિસ્ટને એક ચાઇનીઝ કોર્ટ દ્વારા ચાર વર્ષની સજા ફટકારવામાં આવતા દુનિયાના લોકતાંત્રિક દેશોએ તેનો વિરોધ કર્યો હતો. ૩૭ વર્ષની ઝાંગ ઝાન એવા કેટલાક લોકોમાની એક હતી જેમણે પોતાના અહેવાલમાં નોંધ્યું હતુ કે, સત્તાવાર આંકડાની સરખામણીએ ચીનની પરિસ્થિતિ ઘણી જુદી હતી. દરમિયાન અમેરિકામાં સોમવારે પણ ૧,૫૨,૧૦૨ નવા કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતાં અને ૧૨૩૦ લોકોનાં મોત થયા હતાં. બીજી તરફ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ૯૦૦ અબજ ડોલરના કોરોના રાહત પેકેજ પર હસ્તાક્ષર કર્યા હતાં.
બ્રિટનમાં ગંભીર થઈ રહેલી કોરોનાના સંક્રમણની સ્થિતિને પગલે યુકેના વૈજ્ઞાનિકોએ સરકાર સમક્ષ દેશમાં લોકડાઉન લાગુ કરવાની માંગ કરી છે.