છેલ્લા 6 વર્ષથી ફરાર નક્સલીને શોધવા માટે પોલીસે ભારે મથામણ કરતી રહી હતી. જો કે, આમ છતાં તે પોલીસની પકડમાં આવી રહ્યો ન હતો. આખરે તે નક્સલીને કોરોનાનો ડર ભારે પડી ગયો છે. ઝારખંડ ચતરા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો એવી છે કે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલો એક નક્સલી છેલ્લાં 6 વર્ષથી પોલીસથી બચવા માટે નાસતો ફરી રહ્યો હતો. આ નક્સલીનું નામ મનીષ યાદવ છે. પોલીસના લાખો પ્રયાસો છતાં તે બચવામાં સફળ રહેતો હતો. જો કે, છેલ્લાં કેટલાક સમયથી તે કોરોનાથી ભયભીત હતો. તેથી તેણે ચતરાની સદર હૉસ્પિટલમા કોરોનાનો ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધઓ હતો. તે આ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરવા પહોંચ્યો હતો. બીજી તરફ પોલીસને નકસલી મનીષ યાદવ હોસ્પિટલમાં આવવાનો હોવાની બાતમી મળી હતી. તેથી પોલીસે હોસ્પિટલ ઉપર સતત વોચ રાખી હતી. દરમિયાન મનીષ યાદવ કોરોના ટેસ્ટ કરાવવા પહોંચ્યો હતો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેના બ્લડ સેમ્પલો લેવાયા બાદ તરત જ પોલીસ ત્યાં ત્રાટકી હતી અને મનીષ યાદવને દબોચી લીધો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ નક્સલી મનીષ યાદવ વિરુદ્ધ કુંદા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી હતી. હાલમાં SP ઋષવ ઝાને મનીષ યાદવ હોસ્પિટલમાં આવવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેથી તેમણે SDOP અવિનાશ કુમારને નિર્દેશ આપી ઓપરેશન ગોઠવ્યું હતુ. અવિનાશ કુમારે સબ ઇન્સ્પેકટર શશિ ઠાકુર સાથે મળીને આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતુ. મનીષ યાદવની હૉસ્પિટલથી ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવાયો હતો. મનીષ યાદવ પર કુંદા પોલીસ સ્ટેશનમાં કોડ નંબર 27/15, ભાદવીમાં કલમ 120, વિસ્ફોટક અધિનિયમ 3, 4, 5 અને 17 CLA એક્ટ હેઠળ કેસ દાખલ છે. મનીષ યાદવની ધરપકડ શુક્રવારે સાંજે સદર હૉસ્પિટલમાં કરવામાં આવી હતી. SPએ જણાવ્યું હતું કે મનીષ સબઝોનલ રેંકનો નક્સલી છે. તે છેલ્લા 6 વર્ષથી ફરાર હતો. મળતી વિગતો મુજબ મનીષ યાદવે 13 નવેમ્બર 2015ના રોજ પોલીસ પેટ્રોલિંગ ટીમ પર હુમલો કરવા વિસ્ફોટકોનો જથ્થો વાહન સાથે મુક્યો હતો. ઘટના બાદ આ કેસમાં 3 શખ્સને આરોપી તરીકે દર્શાવી ગુનો નોંધવામાં આવ્યો હતો. મનીષ યાદવ સિવાય રામપ્રિત પાસવાન અને રામસ્વરૂપ પાસવાનનું નામ પણ આરોપી તરીકે પોલીસે નોંધ્યું હતુ. રામ સ્વરૂપ પાસવાન જેલમાં સજા ભોગવી રહ્યો છે.