એક વર્ષથી કોરોના સામે જંગ લડી રહેલી દુનિયાની મુશ્કલી હજી ઓછી થવાનું નામ લેતી નથી. કોરોના સામે વેકસીનેશનની કામગીરી ભલે ઝડપથી થઈ રહી હોય પરંતુ, અમેરિકા, કેનેડા, ભારત તથા મેક્સિકો સહિતના દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે વધવા માંડ્યું છે. ઈટલીમાં તો કોરોના ફરી વકરી ચૂક્યો છે. આવા સંજોગોમાં અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં પ્રતિબંધો લંબાવાયા છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા રહ્યો છે. જયાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ એપ્રિલ સુધીમાં હર્ડ ઇમ્યુનિટી હાંસલ કરી લેવાશે અને વસંત ઋતુ સુધીમાં કોરોના મુક્ત થઈ જશે તેવો દાવો જ્હોન હોપકિન્સનાં પ્રોફેસર ડો. માર્ટી મેકેરીએ કર્યો છે.
મેકેરીએ કરેલા દાવા મુજબ અમેરિકામાં છેલ્લા ૬ અઠવાડિયામાં કોરોનાનાં કેસ ૭૭ ટકા ઘટી ગયા છે. મિરેકલ ડ્રગને કારણે કોરોનાનાં સંક્રમણ ઘટી રહ્યું છે. પણ સરકારી અધિકારીઓ આ હકીકતને છુપાવી રહ્યા છે. આ દાવો મેકેરીએ વોલસ્ટ્રીટ જર્નલનાં પ્રકાશીત અહેવાલમાં કર્યો હતો. અહેવાલમાં ડો. મેકેરીએ લખ્યું હતુ કે, અમેરિકામાં જે રીતે વેક્સિનેશન અપાઈ રહી છે તેનાં કારણે કોરોના પર કાબૂ મેળવવામાં પ્રગતિ સધાઈ છે. યુએસ પ્રમુખ બાઇડને શુક્રવારે મિશિગન ખાતે વેક્સિન બનાવતી ફાઇઝર કંપનીની મુલાકાત લીધી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષનાં અંત સુધીમાં અમેરિકામાં સ્થિતિ સામાન્ય થઈ જશે. અમેરિકામાં શુક્રવારે નવા કેસની સંખ્યા ૭૮,૬૪૦ નોંધાઈ હતી જે ૬ અઠવાડિયા અગાઉની સાત દિવસની સરેરાશ ૨,૪૭,૧૬૪ કરતા ઓછી હતી. છેલ્લા પાંચ અઠવાડિયાથી ત્યાં સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં યુએસમાં ૨,૪૨૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકામાં કુલ સંક્રમિતોનો આંકડો ૨,૮૬,૦૩,૮૧૩ થયો છે.
જો કે, અમેરિકાને બાદ કરતા અન્ય કેટલાક દેશોમાં વેક્સિનેશનની કામગીરી પૂરઝડપે ચાલી રહી હોવા છતાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોએ સંક્રમણ વધતું રોકવા ૨૧ માર્ચ સુધી પ્રતિબંધો લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ લોકોને બિનજરૂરી ટ્રાવેલ નહીં કરવા આદેશ કરાયા છે. જો કોઈએ આંતરારાષ્ટ્રીય ટ્રાવેલ કરવું હોય તો ચોક્કસ કારણ દર્શાવવું પડશે. યુરોપમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સરકાર ચિંતામાં મુકાય છે. ઈટાલીમાં ફરી એકવાર કોરોના વકરવા માંડ્યો છે. જયાં શનિવારે ૧૪,૯૩૧ નવા કેસ નોંધાયા હતા અને ૩૪૮ દર્દીના મોત થયા હતા. આખા વિશ્વમાં અત્યાર સુધીમાં ૧૦૭ દેશમાં ૨૦ કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જેમાં ૪૫ ટકા વેક્સિન તો ધનિક દેશોનાં ગ્રૂપ G-૭માં આપવામાં આવી છે. ઇઝરાયેલ વેક્સિન આપવામાં વિશ્વમાં ૬ઠ્ઠા ક્રમે છે. ફ્રાન્સમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શનિવારે ત્યાં કુલ ૨૧,૨૩૧ નવા કેસ મળી આવ્યા હતા.