વિશ્વમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. યુરોપિયન દેશોમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અન્ય દેશોમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો આવ્યો છે. તેથી સાવચેતીના ભાગરૃપે દુનિયાના વિવિધ દેશો દ્વારા પ્રતિબંધો મૂકવાનું શરૃ કરાયું છે. ચાર મહિના પહેલા જ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેઈન દેખાયા હતા. જે બાદ દુનિયાએ તેની સાથેનો સંપર્ક કાપી નાંખ્યા હતા. હવે બ્રિટન સહિતના દેશમાં કોરોનાએ રફતાર પકડવા માંડી છે. તેથી બ્રિટનમાં બિનજરૂરી વિદેશી ફ્લાઈટ્સ ઉપર ૧૭ મે સુધી પ્રતિબંધ મુકી દેવાયો છે.
બ્રિટન સરકારે આ અંગે વિધિવત જાહેરાત કરતા કહ્યું હતુ કે, કારણ વગર કોઈપણ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બ્રિટનમાં આવવા કે ત્યાંથી જવા દેવામાં આવશે નહીં. બ્રિટનમાં જૂન સુધી સ્થિતિ સામાન્ય થાય તેવી શકયતા નથી.
કોરોના વકરતા યુરોપિયન યુનિયનના અનેક દેશો દ્વારા સરહદો સીલ કરી દેવાઈ હતી. તાજેતરમાં ઈએયુના છ દેશો દ્વારા સરહદો ખોલવા અને અવરજવર શરૂ કરવા માટે સહમતી સાધવામાં આવી છે. અત્યાર સુધીમાં બે વખત આવા પ્રતિબંધ લાગુ થયા હતા અને બે વખત દૂર કરાયા હતા. બેલ્જિયમ, ડેનમાર્ક, ફિનલેન્ડ, જર્મની, હંગેરી અને સ્વીડન દ્વારા પારસ્પરિક સહમતી સાધવામાં આવી છે. દરમિયાન વિશ્વમાં કોરોનાના કેસ વધીને ૧૧.૨૬ કરોડ થઈ જવા સાથે કુલ ૨૪.૯૫ લાખ લોકોનાં મોત થયા છે. અમેરિકામાં પણ કોરોના સામે જંગ જીતવા મથામણ જારી રહી છે. બાઈડેન તંત્ર દ્વારા સતત લોકોને જાગ્રત કરવા અને સજાગ રહેવા તાકીદ કરાઈ છે. આ સાથે જ અમેરિકામાં લાખો લોકોને મોટી કપડાંના માસ્કનું વિતરણ કરવા કવાયત ચાલી રહી છે. મંગળવારે જ બાઈડેન દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. એ જ રીતે ફ્રાન્સમાં કોરોનાની સ્થિતિ વણસી રહી છે. અહીં ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૩,૪૩૫ નવા કેસ મળી આવતા ભારે ગભરાટ ફેલાયો છે.