ગુજરાત વિધાનસભામાં પણ કોરોનાએ તરખાટ મચાવ્યો હતો. મંગળવારે પાંચ જ કલાકમાં એક પછી એક એમ પાંચ ધારાસભ્યોનો રિપોર્ટ કોવિડ-19 પોઝિટીવ આવ્યો હતો. મંગળવારે સવારે ખેડૂતોના મુદ્દે છેક વેલમાં જઈને સુત્રોચ્ચાર કરનારા દસાડાના નૌશાદ સોલંકી બપોરે ચેપગ્રસ્ત હોવાનું અધ્યક્ષે જાહેર કરતા પહેલી હરોળમાં બેસતા મંત્રીઓ અને વિપક્ષના સિનિયર સભ્યોમાં ચિંતા પેસી ગઈ હતી. સોમવારે સુરત જિલ્લાના મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા કોરોનો સંક્રમિત જાહેર થયા હતા.
જે બાદ ગૃહમાં બેસતા દસાડાના નૌશાદ સોલંકી, ઉનાના પૂંજા વંશ, પાલિતણાના ભીખાભાઈ બારૈયા, ડાંગના વિજય પટેલ, બહુચરાજીના ભરત ઠાકોર અને તળાજાના આર. સી. મકવાણા એમ છ ધારાસભ્યોના કોરોના ટેસ્ટ થયા હતા. જેનો રિપોર્ટ મંગળવારે બપોરે આવતા તે તમામ સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી ગયાની પૃષ્ટિ થઈ હતી. ધારાસભ્યોના એક પછી એક કોરોના પોઝિટિવ રિપોર્ટની નોંધ લેતા ગૃહના અધ્યક્ષે વિધાનસભામાં મૂલાકાતીઓના પ્રવેશ મુદ્દે મંત્રીઓની ઝાટકણી કાઢી કડક સુચના આપી હતી.
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, તેમણે પોતાના કાર્યાલયમાંથી એકપણ વ્યક્તિના પ્રવેશ માટે પાસ આપ્યો નથી. આમ છતાં ગૃહમાં અને વિધાનસભામાં અનેક મૂલાકાતી કેવી રીતે આવી ગયા. મંત્રીઓને આ સવાલ કરીને ત્રિવેદીએ હવે પછી કોઈપણ ધારાસભ્યને પોતાની સાથે કોઈ સહાયકને પણ ન લાવવા સુચના આપી હતી. વધુમાં મળતી વિગતો મુજબ રાતે આઠ વાગ્યે ગૃહનું કામકાજ પૂર્ણ થયા બાદ અધ્યક્ષની ચેમ્બરમાં ડે. CM નીતિન પટેલ, સંસદિય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને મુખ્ય દંડક પંકજ પટેલને ત્રિવેદીએ વિધાનસભામાં અધિકારીઓ અને ધારાસભ્ય સિવાય તમામ માટે પ્રવેશબંધી ફરમાવી દીધી હતી.
તેમણે ધારાસભ્યો માટે ભોજન વ્યવસ્થામાં સોસિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે બૂફે સિસ્ટમ બંધ કરીને ફુડ પેકેટની વ્યવસ્થા કરવા પણ સુચના આપી દીધી હતી. ચેપગ્રસ્ત થયેલા ધારાસભ્યોની સારવાર માટે ડે.ઝ્રસ્ નીતિન પટેલને વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમાં અત્યાર સુધીમાં મંત્રી સહિત કુલ ૯ ધારાસભ્યો વાયરસની ચપેટમાં આવી ગયા છે.