ભારતમાં કોરોનાને લઈને પ્રજા અને સરકારમાં ફરી ફફડાટ ફેલાય રહ્યો છે. જોધપુરમાં કોરોના વાયરસના વધતા જતા રાજસ્થાનની ગેહલોત સરકારે ત્યાં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરી છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં મુંબઈ અને પૂનામાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે. પુનામાં રાત્રિ કર્ફયૂ અમલી કરી દેવાયો છે. રાજસ્થાનના જોધપુરમાં લગ્ન અને જાહેર કાર્યો માટે 100 લોકોની સંખ્યા નક્કી કરાઈ છે તેથી સોશિયલ ડિસ્ટ્ન્સનું પાલન થાય. અહીં ફક્ત જરૂરી ચીજોની દુકાનો, શાળાઓ અને કૉલેજોને છુટછાટ અપાઈ છે. જોધપુર પોલીસના જણાવ્યા પ્રમાણે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવું જોઈએ નહીં.
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા ગુજરાતે તેની બોર્ડર પર પ્રવેશ પામતા તમામ યાત્રાનુ ફરજિયાત સ્ક્રીનીંગ કરવા આદેશ કર્યો છે. જેને પગલે બોર્ડર પર કોવિડ ટેસ્ટીંગ માટે કેમ્પ ઉભા કરાયા છે. એ જ રીતે મધ્યપ્રદેશની સરકારે પણ આસપાસના રાજ્યોમાંથી પ્રવેશ પામતા લોકોના સ્ક્રીનીંગ કરવાની વ્યવસ્થા ગોઠવી દીધી છે. ભોપાલ, ઈન્દોર, હોશંગાબાદ, બેતુલ, સિઓની, છિંદવાડા, બાલાઘાટ, બરવાની, ખંડવા, ખારગોન, બુરહાનપુર, અલીરાજપુરના કલેક્ટરો અને મહારાષ્ટ્રના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બંને રાજ્યો વચ્ચે સહયોગ કરવા ખાતરી આપવા સાથે વ્યવસ્થા ગોઠવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના બુલધના શહેર, ચીખલી, ખામગાંવ, દેઉલગાંવ રાજા અને મલકાપુર વિસ્તારમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારોમાં કોરોનાના કેસ મળી રહ્યા હતા. બુલધના ડીએમ દિનેશ ગીતેના જણાવ્યા મુજબ ઉપરોક્ત વિસ્તારમાં સવારે 8 વાગ્યાથી સાંજના 3 વાગ્યા સુધીમાં ફક્ત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલશે અને માર્ગદર્શિકાનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે. લોકોને ઘરમાં પણ આઇસોલેશન માટે મંજૂરી મળશે નહીં. બીજી બાજુ કેરળને કર્ણાટક સાથે જોડતા માર્ગોને કર્ણાટક તરફ બંધ કરી દેવાયા હતા. તેથી કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને સોમવારે કહ્યું કે, અંગે કેન્દ્ર સરકારને જાણ કરવામાં આવશે. કર્ણાટક સરકારે કેરળથી આવતા લોકો માટે આરટી-પીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ હોય તો પણ ફરી ટેસ્ટ કરવા આદેશ કર્યો છે. જો કે, કર્ણાટકના ડીજીપીએ ખાતરી આપી છે કે આવશ્યક માલ વહન કરતા વાહનોને છૂટ આપવામાં આવશે.