ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં ભારે છુટછાટ અને કોરોનાની માર્ગદર્શિકાના છડેચોક થયેલા ઉલ્લંઘનને પગલે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી ગયો છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં ફરી સ્થિતિ બગડી રહી છે. શનિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 571 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આ જ સમયગાળામાં એક દર્દીનું મોત નિપજ્યું હતુ. આ સાથે જ રાજયમાં 49 દિવસ બાદ કોરોના કેસ ફરી 500ને આંબી ગયા છે.
બીજી તરફ રાજયમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 3025 થવા સાથે રિકવરી રેટમાં સતત થઈ રહેલા ઘટાડાથી સરકાર અને તંત્રની ચિંતા ફરી વધી રહી છે. ગુજરાતમાં શનિવારે સાંજ સુધીના વીતેલા 24 કલાકમાં પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. જયારે શનિવારે રાજયમાં કોરોનાના નવા 571 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનની હદમાં 124 કેસ મળ્યા હતા. અમદાવાદમાં કોરોનાને કારણે એકનું મોત થયું હતુ. જયારે અન્ય મોટા શહેરો પૈકી સુરતમાં 134 અને વડોદરામાં 117, રાજકોટમાં 58, જામનગર તથા ગાંધીનગરમાં 12, ભાવનગરમાં 10 અને જૂનાગઢમાં 9 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા હતા.
એ જ રીતે કચ્છમાં 12, આણંદમાં 11, મહેસાણામાં 9 કેસ, સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ, મહિસાગરમાં 7- 7 કેસ, ખેડામાં 6, નર્મદા-પંચમહાલમાં 5- 5 કેસ, અરવલ્લીમાં 11 અને દાહોદમાં 4 કેસ મળી આવ્યા હતા. જયારે બનાસકાંઠામાં 3 કેસ, ભરૂચમાં 3, દ્વારકા અને મોરબીમાં 2- 2 કેસ તથા અમરેલી, બોટાદ, છોટાઉદેપુરમાં 1-1 કેસ તેમજ ડાંગ, નવસારી, પાટણ, તાપીમાં 1-1 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના કુલ 3025 કેસ એક્ટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમાંથી 45 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 2980 લોકોની હાલત સ્થિર છે. બીજી તરફ વેક્સીનેશનના અભિયાનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 13,74,244 વ્યક્તિને પ્રથમ ડોઝ અપાયો હતો. જયારે 3,30,463ને રસીનો બીજો ડોઝ અપાયો છે. 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,31,821 વ્યક્તિઓને પણ રસી મુકવામાં આવી છે.