ભારતમાં કોરોનાની બીજી લહેરની વ્યાપક અસર હાલ સમગ્ર દેશમાં વર્તાય રહી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકાર અને આરોગ્ય વિભાગ મથામણ કરી રહ્યું છે. ત્યારે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે દેશમાં હજી કોરોનાની ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરી છે. ત્રીજી લહેરની સમય સીમા વિશે ફોડ પડાયો નથી. પરંતુ દેશમાં સરકાર અને પ્રજા સાવધાની નહીં રાખે તો તે લહેરનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે. કેન્દ્ર સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને બુધવારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરની અસર મે મહિનાના અંત સુધીમાં લગભગ પીક પર આવશે. હાલ વાયરસના તમામ વેરિઅન્ટ પર વેક્સીન પ્રભાવી છે તેટલો જ સંતોષ લઈ શકાય તેમ છે. કોરોનાના નવા નવા વેરિએંટ સામે આવી રહ્યાં છે. દુનિયાભરમાં વા વેરિએંટ આવવાની શકયતા સાથે જ તેના સંક્રમણની ઝડપ પણ વધુ હોઈ શકે છે. નવા સ્ટ્રેન સામે વેક્સીનને અપડેટ કરવાની જરૂર પડશે.
તેમણે ઉમેર્યું કે, હાલમાં જે લહેર છે તેનાથી સંપૂર્ણપણે કોરોનાના કેસમાં ઘટાડો થવામાં વધારે સમય લાગશે. કદાચ જૂન મહિનામાં કેસ ઘટી શકે છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે, તેનો કોઈ રોકી શકશે નહીં. પરંતુ આ લહેર ક્યારે આવશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ કેન્દ્ર સરકારે કહ્યું હતુ કે, કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે. જો કે, 12 રાજ્યોમાં તેનો પ્રભાવ હજી પણ છે જયાં એક્ટિવ કેસની સંખ્યા હજી 1 લાખથી વધુ રહી છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે વિધિવત નિવેદન જારી કરતા કહ્યું હતુ કે, ઘણા રાજ્યોમાં એક દિવસ પહેલાના મુકાબલે મોતના આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. જયારે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર, દિલ્હી, હરિયાણામાં વધુ મોત થયા છે. કર્ણાટક, કેરલ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. બેંગલુરૂમાં એક સપ્તાહમાં આશરે 1.49 લાખ કેસ નોંધાયા છે. જયારે ચેન્નઈમાં 38 હજાર કેસ બહાર આવ્યા છે. દેશના 10 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 25 ટકાથી વધુ છે અને હજુ તેમાં વધુ સારી રીતે કામગીરી કરવી પડશે.