ભારતમાં શનિવારથી મોદીના હસ્તે કોરોના સામેની જંગમાં દુનિયાના સૌથી મોટા વેકસીનેશન કાર્યક્રમનો આરંભ કરાયો હતો. જે બાદ સ્વદેશી વેકસીને કમાલ કરી હોય તેમ બે દિવસમાં માત્ર 94ને જ આડ અસર થઈ હોવાનું બહાર આવ્યું છે. વળી, તેમાંથી મોટાભાગના લોકોને તે સામાન્ય અસર છે. આખા દેશમાં રસી લેનારા 1.92 કરોડ લોકોમાંથી માત્ર 100ને જ નજીવી આડ અસર નીકળતા રસીકરણથી દેશના નાગરિકોને મોટો લાભ થવાની આશા બંધાઈ છે. ભારતમાં 10 મહિનાથી તરખાત મચાવનારા કોરોનાને કારણે કરોડથી પણ વધુ લોકો સંક્રમિત થયા છે. જયારે લાખો લોકોના મોત થયા છે. દેશના દરેક રાજ્યોમાં તેની અસર વર્તાય છે. આજે આખા ભારતના અર્થતંત્રને કોરોના અને લોકડાઉનની માઠી અસર થઈ છે. ડીસેમ્બરમાં મોદીએ ગુજરાત, પુના, હેદ્રાબાદની મુલાકાત લઈને ત્યાં કોરોના માટે બનાવાતી વેકસીનની વિગતો મેળવી હતી. જે બાદ 18 દિવસ પહેલાં સરકાર દ્વારા કોવિશીલ્ડ અને કો-વેકસીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દેવાઈ હતી.
આ સાથે જ સરકારે કોરોના સામેનો જંગ જીતવા માટે ભારતમાં દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનનું આયોજન કરી શનિવારથી તેનો આરંભ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ શનિવારે દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવ્યા બાદ બે દિવસમાં 1.92 આરોગ્ય કર્મીઓએ વેકસીન મુકાવી હતી. ભારતમાં પહેલા દિવસે 3 કરોડ લોકોને વેક્સીન આપવાનો લક્ષ્યાંક હતો. જો કે, તે દિવસે 1.92 કરોડને સ્વદેશી વેક્સીન આપવામાં આવી હતી. આટલા મોટા પ્રમાણમાં લોકોએ વેક્સીન લીધા બાદ માંડ 100 લોકોને આડ અસર થઈ હતી. આડઅસરોના કેસોમાં પહેલા દિવસે દિલ્હીમાં 52, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં 14-14, તેલંગાણામાં 11 અને ઓરિસ્સામાં 3 એડવર્સ ઇવેન્ટ્સ ફોલોઇંગ ઇમ્યુનિશનના કેસ સામે આવ્યા હતા. જયાં રસી લીધા બાદ આ લોકોને દુખાવો થવો, ચક્કર આવવા, શરીર પર પરસેવો થવો, છાતીમાં દબાણ થવું જેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં વેક્સિન લીધાના પહેલા દિવસે સાઈડ ઇફેક્ટના 52 કેસ સામે આવ્યા હતાં. જેમાંના એક કેસમાં ગંભીર સાઈડ ઇફેક્ટ જોવા મળી છે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, ઉત્તર દિલ્હીમાં એક, દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં 5 અને ઉત્તર-પશ્ચિમમાં દિલ્હીમાં 4 સાઈડ ઇફેક્ટના કેસ નોંધાયા છે.
જયારે પૂર્વ દિલ્હીમાં 6, મધ્ય દિલ્હીમાં 2, દક્ષિણ દિલ્હીમાં 11, નવી દિલ્હીમાં 5, દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં 11 અને પશ્ચિમ દિલ્હીમાં 6 સાઈડ ઇફેક્ટના કેસ નોંધાયા છે. ગંભીર સાઈડ ઇફેક્ટનો એક કેસ દક્ષિણ દિલ્હીમાં સામે આવ્યો છે. ભારતમાં 1.92 કરોડ લોકોને અપાયેલી સ્વદેશી કોરોના વેક્સીન લીધા બાદ માત્ર 100 લોકોને જ આડ અસર થઈ હતી. પશ્ચિમ બંગાળમાં પ્રથમ દિવસે 15 હજાર 707 લોકોને વેક્સિન અપાઈ હતી. જેમાંથી 14ને વેક્સિનની આડઅસર થઈ હતી. બંગાળ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, એકની હાલત ગંભીર હતી, જો કે બાદમાં તેની હાલતમાં સુધારો થયો હતો. મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે માત્ર ફ્રન્ટલાઇન વર્કર જ નહીં, પરંતુ રાજ્યના બધા જ લોકોને માટે પૂરતા પ્રમાણમાં વેક્સિન ઉપલબ્ધ કરાવાય. તેલંગાણામાં વેક્સિનેશનના પ્રથમ દિવસે 11 લોકોમાં હળવી સાઈડ ઇફેક્ટ રહી હતી. અહીં 33 જિલ્લામાં 140 સેન્ટરો પર વેક્સિનેશન કરાયું હતું. જેમાં 4,296 લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.