ભારતીય ટીમના ઓપનર બેસ્ટમેન શિખર ધવનને આઈપીએલની 14મી સીઝન મોકૂફ રાખવામાં આવ્યા બાદ કોરોના સામે રક્ષણ આપતી કોવિડ-19 (COVID-19)ની રસી લીધી છે. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા થકી દેશની જનતાને કોરોના વેકસીન મુકાવવા અપીલ કરી હતી. ગુરુવારે તેણે સોશિયલ મીડિયા પર વેકસીન લેતા સમયનો ફોટો વાયરલ કર્યો હતો. આ સાથે જ શિખરે કોરોના સામેના જંગમાં વેકસીનેશન મહત્વનો ભાગ હોવાનું જણાવી નાગરિકોને વહેલીમાં વહેલી રસી મુકાવવા અનુરોધ કર્યો હતો. આઈપીએલ -2021નું આયોજન પડતુ મુકાયા બાદ અનેક ક્રિકેટરો પોત-પોતાના ઘરે પરત ફરી ચુક્યા છે. આ લીગની વર્તમાન સીઝનમાં અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ હતી. પરંતુ ભારતમાં કોરોનાના વધતા જતા કેર સામે બીસીસીઆઈએ છેવટે નમતુ જોખીને આયોજન મૌકુફ કરવું પડ્યુ છે. હાલમાં દિલ્હીમાં રહેતા 35 વર્ષીય ધવને ફોટો શેર કરતા લખ્યું, રસી લીધી છે. કૃપા કરીને સંકોચ ન કરો અને શક્ય તેટલી વહેલી તકે રસી લો. આ આપણને વાયરસને હરાવવામાં મદદ કરશે. 1લી મેથી કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસી ઝુંબેશ શરુ કરી છે. જેથી શિખર ધવને આ તકનો લાભ લઈને રસી મુકાવી છે. આ સાથે જ તેઓ હાલની ભારતીય ટીમના પ્રથમ એવા ખેલાડી થઈ ગયા છે જેણે કોરોનાની રસી મુકાવી છે.