ચીનના વુહાન શહેરથી સમગ્ર દુનિયામાં ફેલાયેલો કોરોના વાયરસ આજે 14 મહિના પછી પણ તબાહી મચાવી રહ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધીમાં દુનિયામાં કરોડો લોકો સંક્રમિત થયા અને અનેક લોકો મોતને ભેટ્યા છે. આ વાયરસનો ફેલાવો શરુ થયો ત્યારે જ દુનિયાના અનેક દેશોએ આ સ્થિતિ માટે ચીનને જવાબદાર ઠેરવી આક્રોશ ઠાલવ્યો હતો. આ સાથે જ કેટલાક સમય બાદ કોરોના વાયરસ એક જૈવિક હથિયાર હોવાનો મત પણ વ્યક્ત થયો હતો. હાલમાં કોરોના વાયરસને ચીને જ શસ્ત્રનું સ્વરૃપ આપ્યું હોવાની શંકાને ઓસ્ટ્રેલિયન મીડિયાએ કરેલા દાવાથી બળ મળ્યું છે. મીડિયાના અહેવાલો મુજબ ચીની વિજ્ઞાનીઓએ તો આજથી પાંચ વર્ષ પહેલાં કોરોના વાઇરસને શસ્ત્રનું રૂપ આપવા અંગે ચર્ચા કરી હતી.
વીકએન્ડ ઓસ્ટ્રેલિયનમાં તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ સ્પષ્ટ પણ દર્શાવાયું છે કે, સાર્સના બિનકુદરતી ઉદગમ અને જૈવિક શસ્ત્ર તરીકે માનવસર્જિત વાઇરસ નામના દસ્તાવેજમાં કેટલીક ચોંકાવનારી વિગતો લખવામાં આવી છે. દસ્તાવેજમાં ત્રીજું વિશ્વ યુદ્ધ જૈવિક શસ્ત્રોથી લડવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો છે. વિશ્વમાં કોરોના વાયરસે 2020ના નવેમ્બર મહિનામાં ચીનથી દેખા દીધો હતો. જેના બે મહિનામાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને મહામારી તરીકે ગણી હતી. આ ઘટનાના પાંચ વર્ષ પહેલાં ચીની વિજ્ઞાનીઓ અને આરોગ્ય અધિકારીઓ દ્વારા એક દસ્તાવેજ તૈયાર કરાયો હતો. આ દસ્તાવેજમાં નોંધાયું છે કે, સાર્સ કોરોના વાઇરસ તે નવા યુગનું જૈવિક શસ્ત્ર હશે. તેને કૃત્રિમ રીતે માનવીય રોગ નીપજાવવા માટે ઉપયોગ કરી શકાશે. સંશોધકોએ તૈયાર કરેલી આ ખતરનાક કીટને વાઇરસમાં તબદીલ કર્યા પછી તેનો જૈવિક શસ્ત્રો તરીકે ઉપયોગ કરી શકાશે. જે દુશ્મન દેશના લોકો માટે હથિયાર કરતા પણ વધુ ઘાતક પુરવાર થશે.
હવે આજથી પાંચ વર્ષ પહેલા લખાયેલા આ દસ્તાવેજમાં વાયરસની વાતો કેમ કરવામાં આવી હતી તેને લઈને પણ અનેક સવાલો છે. પરંતુ મહામારીએ દેખા દીધાના પાંચ વર્ષ પહેલાં ચીની સૈન્યના વિજ્ઞાનીઓએ તૈયાર કરેલા આ દસ્તાવેજથી એટલું સ્પષ્ટ છે કે, આ વાયરસ માનવસર્જિત છે. અને સાથે જ મહામારી માટે ચીન જવાબદાર છે. જો કે, સૈન્યના ઉપયોગ માટે તૈયાર થયેલો વાઇરસ અકસ્માતે લીક થઈ ગયો હોવાનું પણ મનાય છે. પાંચ વર્ષ પહેલાનો આ દસ્તાવેજ દુનિયાની એ માન્યતાને ફરી બળ આપી રહ્યો છે કે, જેમાં કોરોના વાઇરસ માનવ સર્જિત છે અને તે સૈન્યના ઉપયોગ માટે તૈયાર કરાયો હતો. જો કે, તે વાયરસ અચાનક લીક થઈ જતા મુસીબત આવી પડી છે. અત્યાર સુધી વાયરસના ફેલાવાની તપાસ માટે ચીને બહારની કોઈ એજન્સીને મંજૂરી પણ આપી નથી તેથી દસ્તાવેજમાં કરાયેલા દાવાને સમર્થન વધી રહ્યું છે.