આંધ્રપ્રદેશના તિરૂપતિમાં એક મહિલાની સળગેલી લાશ મળી હતી. એ લાશની ઓળખ થયા બાદ પોલીસ હત્યારા સુધી પહોંચી ગઇ તો જાણવા મળ્યું કે હત્યારો એ મહિલાનો પતિ જ છે.
27 વર્ષની ભુવનેશ્વરી હૈદરાબાદમાં સોફ્ટવેર એન્જિનિયર હતી. તે કોગ્નિઝેટ કંપનીમાં કામ કરતી હતી. જો કે થોડા વખત પહેલાં તેના પતિ મારમરેડ્ડી શ્રીકાંત રેડ્ડીએ પત્નીનું કોરોનામાં મૃત્યુ થયાનું બધાને જણાવ્યું હતું. 18 મહિનાની દીકરી સાથે ભુવનેશ્વરી વર્ક ફ્રોમ હોમ કરતી હતી. શ્રીકાંત પોતે પણ ઇજનેર છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી બેકાર થયો હતો.
શ્રીકાંતે પત્નીનું કોરોનાથી મૃત્યુ થયાનું જણાવ્યું હતું. એ બાદ ભુવનેશ્વરીના પરિવારોએ અનેક હોસ્પિટલમાં તેની તપાસ કરી હતી. પરંતુ ભુવનેશ્વરીને સારવાર માટે દાખલ કરાઇ હોવાનો કોઇ પુરાવા મળ્યો ન હતો, તેથી ભુવનેશ્વરીના પરિવારે તે ગુમ થયાની ફરિયાદ કરી હતી. સાથે તેની હત્યા થઇ હોવાની આશંકા પણ કરી હતી. જો કે કોઇ પત્તો લાગતો ન હતો. આખરે, તિરૂપતિ શહેરના પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસે તપાસ કરી તો શ્રીકાંત એક લાલ સૂટકેસ સાથે ઘરમાં જતો જોવા મળ્યો, તો થોડા વખત પછી તે એક હાથમાં દીકરી તો બીજા હાથે સૂટકેસને ધક્કો મારી ઘર બહાર નીકળતો જોવા મળ્યો હતો. શ્રીકાંતે ભુવનેશ્વરની હત્યા કરીને તેની લાશ ઠેકાણે પાડવા એક સૂટકેસ ખરીદી હતી અને તેમાં પેક કરી લાશને બહાર લઇ જઇ તેને બાળવાનો પ્રયાસ કરતાં ભુવનેશ્વરીનો મૃતદેહ 90 ટકા સળગેલી હાલતમાં મળ્યો હતો. મૃતદેહના અવશેષ લઇને પોલીસે તેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા છે.