ગુજરાતમાં 6 મહાનગરો અને 31 જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી પુરી થતાં જ સરકારી તંત્ર ફરી કોરોનાના કેસ શોધવામાં જોતરાયું છે. જેમાં દરરોજ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યાનું બહાર આવ્યું છે. સોમવારે ગુજરાતમાં કોવિડ-19ના 555 દર્દી મળી આવ્યા હતા. જેમાં અમદાવાદમાં 129 કેસ નોંધાવા સાથે એક દર્દીનું મોત થયું હતુ. જયારે સુરતમાં 100 અને વડોદરમાં 103 કેસ, રાજકોટમાં 44 અને ભાવનગરમાં 15 કેસ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયા હતા. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં 14, જામનગરમાં 8, જૂનાગઢમાં 9, પંચમહાલમાં 18, આણંદમાં 16, ખેડામાં 14 કેસ, સાબરકાંઠામાં 12 તથા ભરૂચમાં 11 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા હતા. એ જ રીતે કચ્છમાં 11, દાહોદમાં 10, મહિસાગરમાં 9, અરવલ્લીમાં 4 કેસ, ગીર સોમનાથમાં 11, મહેસાણામાં 5, મોરબીમાં 4, અમરેલીમાં 11; પાટણમાં 3, છોટાઉદેપુરમાં 2, નર્મદામાં 2, દ્વારકા-નવસારીમાં 1 -1 તથા તાપી અને વલસાડમાં 1- 1 કેસ નોંધાયો હતો. જયારે રાજ્યમાં બનાસકાંઠા, બોટાદ, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો કોઈ કેસ મળ્યો ન હતો.
સોમવારે સાંજની સ્થિતિએ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3212 રહી હતી. જેમાંથી 41 લોકો વેન્ટીલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. સોમવારે રાજ્યમાં 482 દર્દીઓને રિવકરી આવતાં તેઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા હતા. અત્યાર સુધી 2,66,313 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો રેસિયો 97.22 ટકાએ પહોંચ્યો છે. સોમવારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,447 વ્યક્તિઓનું રસીકરણ કરાયું હતુ. રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસરની ઘટના ઘટી નતી.