દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પાંચ સાત દિવસથી કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. જેને પગલે સરકાર અને આરોગ્ય ખાતુ ગંભીર બન્યુ છે. હવે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતાં ગુજરાતમાં તેનો ભય દેખાય રહ્યો છે. અઠવાડિયામાં નવા સ્ટ્રેનના સાત કેસ મળ્યા બાદ આરોગ્ય ખાતુ હરકતમાં આવ્યું છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હોવાથી ગુજરાત સરકાર અને ખાસ કરીને શાસક ભાજપ કોરોના મુદ્દે ગંભીર જણાતા નથી. દરમિયાન હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી. આ ચેતવણી કોર્ટે એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન આપી હતી. આ સમયે અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરકાર, તંત્ર અને ખાસ કરીને શાસક ભાજપ વ્યસ્ત છે.
રાજકીય રેલીઓમાં માસ્ક પહેરવામાં આવતા નથી. અને સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પ્રચાર અર્થે રાજકીય પક્ષોની રેલી કે બેઠકમાં લોકોનો ટોળા થઈ રહ્યા છે. આવા સંજોગોમાં રાજ્યમાં કોરોનાનુ સંક્રમણ ફરી વધી જશે. વિદેશી સ્ટ્રેનના કેટલાક કેસ ભારતમાં પણ જોવા મળ્યા છે. ભૂતકાળમાં કોરોનાની સ્થિતિને અંકુશમાં લેવા માટે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે સમયાંતરે અનેક આદેશો કર્યા હતા. હાલમાં હાઈકોર્ટે સરકારને તાકીદ કરી છે કે, રાજ્યમાં કોરોનાને અનુલક્ષીને સતર્કતા દાખવવી જરૃરી છે. કોરોના જતો રહ્યો છે કે પૂર્ણ થઈ ગયો છે તેવુ માની લેશો નહીં. કોરોનોના નવો સ્ટ્રેન ફરી કેવી રીતે ત્રાટકશે અને તે ક્યાં સ્વરુપમાં આવશે તે કહેવું મુશ્કેલ છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતુ કે, રાજ્યમાં ફરી કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્ર કોરોના પ્રત્યે બેદરકારી દાખવશે તો તેના ગંભીર પરિણામ આવશે. કોરોનાના લીધે સ્થિતિ ફરી વણસે નહીં તેનુ ધ્યાન રાખજો.