ભારતમાં કોરોનાના વધી રહેલા કેસની અસર બોલિવૂડ સુધી પણ પહોંચી છે. રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી બાદ હવે મનોજ બાજપેયી પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જો કે, તેમણે ઘરે આઇસોલેટ થવાનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ હવે બોલીવુડના કલાકારો સુધી પહોંચી જતાં ફિલ્મોના શુટીંગ ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. જો કે, 10 મહિના પછી ધીમે ધીમે શરૃ થયેલા શુટીંગ પર હવે ફરી બ્રેક લાગી જાય તેવી શકયતા છે. થોડા દિવસો પહેલાં જ રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલી કોરોના વાયરસના સકંજામાં આવ્યા હતા. જેના કારણે ભણસાલીની ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડી અને રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વિઘ્ન આવ્યું છે.
રણબીર કપૂરના માતા નીતૂ સિંહે આ વિશે પોતે જ જાણકારી આપી હતી. સાથે જ રણબીર કપૂર કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી પણ આપી હતી. નીતૂ સિંહે રણબીર કપૂરની એક તસવીર શેર કરી સોશિયલ મીડિયામાં તમારા સૌની શુભકામના માટે આભાર, રણબીર કોરોના પોઝિટિવ છે. દવા અને આરામથી હાલ તબીયત સારી છે તેવો સંદેશો લખ્યો હતો. દરમિયાન બાજપેયી તેમની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તે સમયે તેમની તબિયત કથળવા માંડતા ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું હતુ. ‘દિગ્દર્શક કોવિડ 19નો શિકાર બન્યા પછી મનોજ બાજપેયીએ પણ તેનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે કોરોના પોઝિટિવ આવ્યો છે. બાજપેયી હવે ઘરે જ આઈસોલેટ થયા હોય, ફિલ્મનું શૂટિંગ થોડા મહિનાઓ માટે અટકી જશે. મનોજ બાજપેયી ટુંક સમયમાં ફેમિલી મેન-2માં દર્શકોને નજરે પડશે. પ્રાઇમ વીડિયો પર રિલીઝ થનારી આ સીરીઝનું શૂટિંગ હાલ પુરૂ થઇ ગયુ છે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનાર ફિલ્મ ‘Despatch’ના શૂટીંગમાં મનોજ હાલ વ્યસ્ત હતો. આમ બોલીવુડના કલાકારો વાયરસની ચપેટમાં આવી રહ્યા છે. તેથી ફિલ્મોના શુટીંગને અસર થવાની શકયતા વર્તાઈ રહી છે.