ભારતમાં કોરોનાને કારણે વકરી ચુકેલી પરિસ્થિતિને કારણે સમગ્ર દુનિયામાં ચિંતા ફેલાઈ રહી છે. દરમિયાન G-7ના વિદેશ અને વિકાસ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન પહોંચ્યા હતા. જયાં તેમણે સ્વીકાર કર્યો હતો કે, ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. જેનું કારણ કોરોનાનું બેફામ સંક્રમણ છે. આ સમયે ત્યાં હાજર પત્રકારે ભારતમાં કોરોનાથી વકરેલી સ્થિતિ માટે ચૂંટણી જવાબદાર છે કે નહીં તેવા સવાલ કરતા એસ જયશંકરે કહ્યું હતુ કે, ભારત લોકતાંત્રિક અને રાજનૈતિક દેશ છે. તેથી ચૂંટણી ટાળવી મુશ્કેલ હોય છે. બ્રિટન ખાતે મીડિયા સંગઠન ઈન્ડિયા ઈન્ક ગ્ર્રુપ અને લંડનમાં ભારતીય હાઈકમાન્ડની વૈશ્વિક શ્રેણીના કાર્યક્રમમાં જયશંકરે કોરોનાની બીજી લહેરને ભારત માટે મોટો પડકાર ગણાવ્યો હતો.
આ તકે તેમણે દુનિયાના દેશો તરફથી મળતી મદદ બદલ વિદેશ મંત્રીએ આભાર માનતા કહ્યું હતું કે, ભારતને માથે સંકટ આવ્યું છે ત્યારે આખી દુનિયા અમારી સાથે છે. કોરોનાના વેક્સીનેશન કાર્યક્રમને આગળ વધારવા એક યોજના તૈયાર કરાઈ છે. અમને આશા છે કે યોજના પાર પડતા જ અમે કોરોનાના સંકટમાંથી બહાર આવી જઈશું. મહામારીથી એક સબક મળ્યો છે કે ભારતમાં અને દુનિયાએ એકસંપ રહેવાની જરુર છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, વૈશ્વિક મહામારીથી વિચારોમાં પણ પરિવર્તન આવવા માંડ્યું છે. તેને કારણે જ આજે હું કુટનીતિમાં એકજુથતા જોવા મળી રહી છે. આપણે કોઈ પણ પ્રકારના મેળાવડાની મંજુરી નહોતી આપવી જોઈતી. પરંતુ એવો સમય પણ આવે છે જ્યારે આપણે તૈયાર રહેવાનું હોય છે અને દોષારોપણ કરવાથી બચવું જોઈએ. ભારતમાં આજે સ્વસ્થ્ય વ્યવસ્થા એકદમ ખાડે ગઈ છે. તેના અનેક કારણો છે. કોરોનાનું વધુ સંક્રમણ, ગાઈડલાઈનના પાલનમાં ગંભીરતાનો અભાવ અને દેશમાં આરોગ્ય સુવિધામાં અપૂરતો સ્ટાફ અને ટાંચા સંશાધનો મુખ્ય કારણ છે. ગત 75 વર્ષોમાં ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ખુબ જ ઓછુ રોકાણ કરાયું હતુ. આ બાબતને ધ્યાનમાં લઈને સરકાર પગલા લઈ રહી છે. દેશમાં કોરોના સામેના જંગમાં આવશ્યક તમામ પગલા ભરવા માટે આયોજન કરાઈ રહ્યું છે.