ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના 9 રાજ્યોમાં ધીમે ધીમે સ્થિતિ ગંભીર બનવા તરફ જઈ રહી છે. અનલોક બાદ મોટાભાગના પ્રતિબંધો દૂર થવા સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્ક પહેરવા સહિતના નિયમના ઉડેલા ધજાગરાને કારણે વાયરસ અનેક લોકોને ચપેટમાં લઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો છેલ્લાં 20 દિવસથી કોરોનાના કેસનો ગ્રાફ ઉંચે દેખાય રહ્યો છે. જયારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાયેલી ચૂંટણને કારણે મળેલી છૂટછાટે રાજ્યને ફરી મહામારીના મુખમાં ધકેલવાની તૈયારી કરી દીધી છે. ગુજરાતમાં પણ રવિવારે 575 કેસ નોંધાયા હતા. જયારે મહારાષ્ટ્રમાં લગભગ 5 મહિના પછી રવિવારે અધધ 11 હજાર નાગરિકો વાયરસની ચપેટમાં આવી ગયા હતા. 16 ઑક્ટોબરે મહારાષ્ટ્રમાં આટલા બધા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના વાયરસના ચેપના કેસોની સંખ્યા વધીને 22,19,727 ઉપર પહોંચી ગઈ છે, જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા 20,68,044 પર પહોંચી ગઈ છે. આરોગ્ય વિભાગના સુત્રોએ આ અંગે પૃષ્ટિ પણ કરી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું હતુ કે, મહારાષ્ટ્રમાં શનિવારે રાતથી રવિવારે સાંજ સુધીના વીતેલા 24 કલાકમાં 11,141 બ્લડ સેમ્પલ કોરોના પોઝિટવ આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં 38 લોકો મોતને ભેટ્યા છે.
મળતી વિગતો મુજબ છેલ્લા એક દિવસમાં 6,013 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધેલા કેસને કારણે 11 માર્ચથી ઔરંગાબાદમાં નાઇટ કરફ્યૂ મુકવાની જાહેરાત સરકારે કરી દીધી છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી એકનાથ શિંદેએ રવિવારે કહ્યું હતુ કે કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે સંભાજીનગર (ઔરંગાબાદ)માં 11 માર્ચથી 4 એપ્રિલ સુધી રાતે 9 કલાકથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ રહેશે. જયારે વીકએન્ડ પર સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સાથે જ તમામ શાળાઓ, કોલેજો, લગ્ન હોલ બંધ રાખવા આદેશ કરાયો છે.
બીજી તરફ કેન્દ્રના આરોગ્ય ખાતાએ પણ મહારાષ્ટ્રની સ્થિતિની ગંભીર નોંધ લીધી હતી. કેન્દ્રના આરોગ્ય ખાતાએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 90 હજારથી વધુ છે. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસોમાં વધારો એ ચિંતાજનક છે. રોગચાળા પ્રત્યે સજાગતા દાખવવામાં લોકોની ઉદાસીનતા અને ગાઈડલાઈનનું પાલન ન થવું એ તેના મુખ્ય કારણો છે. તેથી રાજય સરકારે આ બાબતે કડકાઈ સાથે પગલા ભરવા આવશ્યક છે.