અમદાવાદમાં ચૂંટણી પુરી થતાં જ અપેક્ષા મુજબ કોરોનાના કેસમા વધારો થઈ રહ્યો છે. શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં વાયરસની ચપેટમાં આવનારા દર્દીઓની સંખ્યા વધવા માંડી છે. અમદાવાદમાં મ્યુનિસિપલની ચૂંટણી દરમિયાન આડેધડ અપાયેલી છૂટછાટ અને રાજકીય પક્ષ દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગ સહિતની માર્ગદર્શિકાનું કરાયેલું ઉલ્લંઘન હવે ભારે પડે તેમ છે. કારણ કે શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 બેડની સુવિધા વધારવા માટે પગલા લેવાય રહ્યા છે. ટુંક સમયમાં જ અમદાવાદ સિવિલમાં કોરોનાના 500 દર્દીઓની એકસાથે સારવાર થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ થઈ જશે. શહેરમાં કોરોના સંક્રમણમાં જબરદસ્ત ઉછાળો આવતા આરોગ્ય ખાતાની દોડધામ વધી જવા સાથે સરકાર ફરી ચીંતામાં મુકાઈ છે. ડિસેમ્બર બાદ ઘટેલો આંકડો ફરી એકવાર ચિંતાજનક રીતે ઝડપભેર વધી રહ્યો છે. દરરોજ 20થી 30 કોરોના દર્દી સિવિલમાં આવી રહ્યાના અહેવાલો છે. એક્ટિવ કેસમાં દર્દીઓને વેક્સીન આપવામાં રહી છે. જો કોરોના વાયરસના કેસ આમને આમ વધતા રહેશે તો મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાવાની શકયતા છે.
તબીબોના જણાવ્યા મુજબ ચૂંટણી અને લગ્ન મેળાવડા આ સ્થિતિ માટે સ્પષ્ટ રીતે જવાબદાર છે. દરેક મેળાવડાઓ લોકો માટે હાનિકારક બની રહ્યા છે. જો ફરી કેસો વધશે તો 1200 બેડ હોસ્પિટલ કોવિડ કેર તરીકે લેવાશે. હાલમાં 1200 બેડમાં 500 બેડ ફરીથી સારવાર માટે તૈયાર કરાયા છે. બીજી તરફ ગુજરાત સહિતના રાજ્યોમાં કોરોનાના કેસ વધતા કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકારે હાઈ લેવલ મલ્ટી ડિસીપ્લીનરી ટીમને મોકલવા નિર્ણય કર્યો છે. આ ટીમ કેન્દ્ર શાસિત પ્રદેશોના તંત્ર સાથે મળીને કોરોનાનું સંક્રમણ રોકવાની દીશામાં કામ કરશે. કેન્દ્ર સરકારે મોકલેલી ટીમ અને રાજ્યના સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે મળીને હાલ સ્થિતિની સમીક્ષા કરીને જરૃરી તમામ પગલા લેશે. કેન્દ્રીય આરોગ્ય સેક્રેટરીએ અનેક રાજ્યોને પત્ર લખ્યો છે અને RT-PCR ટેસ્ટિંગ વધારવા આદેશ કર્યો છે.