કોરોના સામે જંગ લડી રહેલી દુનિયાની મુસીબત ઓછુ થવાનું નામ લઈ રહી નથી. બ્રિટન અને દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન દેખાયાને બે મહિના કરતા પણ વધુ સમય વીતી ગયો છે. કોરોનાના વધતા ખોફ વચ્ચે યુરોપીયન દેશોમાં ફરી પ્રતિબંધો લાગુ કરી દેવાયા છે. ત્યાં હવે અમેરિકામાં કોરોનાનો નવો સ્ટ્રેન દેખાયો છે. સન ફ્રાન્સિસકો સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ આ નવો સ્ટ્રેન શોધ્યો છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ કોરોના વાયરસના જે સ્ટ્રેનની શોધ કરી છે, તેનું નામ B.1.427/B.1.429 છે. આ વાયરસ વધુ આક્રમકતા સાથે પ્રહાર કરતો હોવાથી લોકો વધુ બીમાર થઈ શકે છે. સંશોધકો કહે છે કે, આ નવો વાયરસ વધુ સંક્રમકશક્તિ ધરાવે છે. એટલે તે વધુ ખતરનાક અને વધારે ઘાતક નિવડી શકે છે. યુનિવર્સિટીના વાયરોલૉજીસ્ટનો દાવો છે કે હવે આ વાયરસ આખા રાજ્યમાં બહું જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
સપ્ટેમ્બર 2020માં જે સેમ્પલોના પરિક્ષણ કરવામાં આવ્યા હતા તેમાં આ વાયરસ દેખાયો ન હતો. જયારે જાન્યુઆરીના અંતમાં સેમ્પલ લઈને કરાયેલા પરિક્ષણ દરમિયાન તે કેટલાક સેમ્પલમાં દેખાયો હતો. કેલિફોર્નિયા યુનિવર્સિટીની લેબના એસોસિએટ ડાયરેક્ટર ડૉ. ચાર્લ્સ ચિઉએ જણાવ્યું કે બ્રિટન અને આફ્રિકામાં મળેલા નવા સ્ટ્રેનથી આ અલગ હોય શકે છે. ડૉ. ચાર્લ્સે શંકા વ્યક્તિ કરી છે કે B.1.427/B.1.429 સ્ટ્રેન આગામી કેટલાક અઠવાડિયામાં અમેરિકામાં કેર વર્તાવી શકે છે. સંશોધકોનો દાવો છે કે, આ વાયરસ ઝડપથી આ કોશિકાઓ સુધી પહોંચીને લાંબ સમય સુધી તેમાં જકડાઈ રહી શકે છે. B.1.427/ B.1.429 સ્ટ્રેન વધારે ઘાતક હોવાના પુરાવા મળ્યા છે. આ સ્ટ્રેન શરીરમાં ઓક્સીજનની માત્રા ઝડપથી ઓછી કરી રહ્યો છે. જે બાબત સૌથી વધુ ચિંતાજનક છે. જોકે અમેરિકામાં હાલમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, વધારેમાં વધારે લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે, પરંતુ નવો સ્ટ્રેન ચોક્કસ મુશ્કેલી વધારી શકે છે.