ભારતમાં એક તરફ કોરોના સામેના જંગમા વેકસીનેશન ચાલી રહ્યું છે. ત્યાં બીજી બાજુ અનલોક કરી દેવાતા કોરોનાનો ગ્રાફ ફરીં ઉંચે જઈ રહ્યો છે. બીજી તરફ દેશના પાંચ રાજ્યો માટે આવા જ સમયે ચૂંટણી પણ જાહેર કરી દેવાય છે. હવે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પૈકી તમિલનાડૂમાં પણ કોરોના વાયરસના દૈનિક કેસ વધી રહ્યા છે. તેથી આ સંકટને કારણે તમિલનાડુમાં લોકડાઉનને 31 માર્ચ સુધી લંબાવી દેવાયું છે. રવિવારે આ નિર્ણય વિશે વિધિવત જાહેરાત કરાઈ હતી. ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા થોડા દિવસથી ફરીથી વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં કોરોના ફરી માથુ ઉંચકી રહ્યો છે. ત્યારે કોરોનાનો વધુ એક તબક્કો ઘાતક નીવડે તેવી દહેશત વર્તાય રહી છે. તમિલનાડુમાં રવિવારે કોરોના વાયરસના નવા 479 કેસ નોંધાયા હતા. આ સાથે જ ત્યાં સંક્રમિત કેસની કુલ સંખ્યા 8.51 લાખ થઈ ગઈ છે. તેથી તમિલનાડુ સરકારે રવિવારે સ્થાનિક પ્રશાસન, જિલ્લા વહિવટી તંત્ર તથા નાગરિકો માટે આદેશ જારી કરતા જણાવ્યું હતુ કે, કોરોનાના જંગમાં લડવા માટે જે નિયમો અમલમાં મુકાયા છે તેનું કડકપણે પાલન કરવુ અને કરાવવું આવશ્યક છે.
રાજ્યમાં હવે ચૂંટણી થવા જઈ રહી છે તેમાં કોરોના વાયરસના વધતાં કેસના કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. તમિલનાડુમાં પરિપત્ર જાહેર કરી સરકારે જણાવ્યું હતુ કે, કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આ સિવાય સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી હશે તથા દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સના નિયમનું ચોક્કસપણે પાલન કરવાનું રહેશે. કોરોના સામે કન્ટેનમેન્ટ ઝોનમાં સતર્કતા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. જાહેર જગ્યાઓ પર વારંવાર સેનેટાઈઝ કરવા સાથે સાથે થર્મલ સ્કેનિંગને લઈને પણ સતર્કતા રાખવા તાકીદ કરાઈ છે.