ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા હોય તેમ દર અઠવાડિયે સરકારી કર્મચારી કે અધિકારીઓ એસીબીના સપાટામાં આવી રહ્યું છે. જાન્યુઆરીમાં તો કરોડોની મિલકત મામલે રાજ્યના કેટલાક અધિકારીઓને ત્યાં તપાસ હાથ ધરી બેનામી મિલકતો ઝડપી પાડવામાં આવી હતી. આમ છતાં એસીબીની કાર્યવાહીનો કોઈ ડર જ ન હોય તેવો માહોલ છે. ગુરુવારે પણ ROGનો ASI અને વચેટિયો 4.50 લાખની લાંચ લેવા જતા ઝડપાઈ ગયા હતા. જો કે, આ સમયે એસીબીના છટકા દરમિયાન જ LCBનો કોન્સ્ટેબલ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે. સુત્રો પાસેથી મળતી વિગતો એવી છે કે, સુરત ROGના ASIએ ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના ધંધો કરતાં વેપારી પાસેથી સાડા ચાર લાખ જેવી મોટી રકમ લાંચ તરીકે માંગી હતી. જો કે, વેપારી આ રકમ આપવા માંગતો ન હતો. તેથી તેણે આ મામલે એસીબીનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી. આખરે અમદાવાદ ACBએ સુરત જિલ્લાના પીપોદરામાં લાંચિયાઓને પકડવા માટે છટકું ગોઠવ્યું હતુ.
આ દરમિયાન એ.એસ.આઇ. મહાદેવ કિશન તેનો વચેટીયા વિપુલ બલર લાંચ લેવા જતાં ભેરવાઈ પડ્યા હતા. અમદાવાદ એ.સી.બી.ની ટ્રેપમાં સુરત આરઓજીના એએસઆઈ અને સુરત ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ લાંચનો ગુનો નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે સુરત એલસીબીનો હેડ કોન્સ્ટેબલ દિપેશ મૈસુરીયા એસીબીની કાર્યવાહી દરમિયાન જ ભાગી જવામાં સફળ રહેતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. સુરત જિલ્લાના પીપોદરા ખાતે થયેલી આ કાર્યવાહીમાં અમદાવાદ એ.સી.બી.ના ઇન્પેક્ટર એસ.એમ. પટનીએ પોતે જ હાજર રહીને ઓપરેશન પાર પાડ્યું હતુ. કાર્યવાહી બાદ અમદાવાદ એસીબીના સુત્રોએ જણાવ્યું હતુ કે, મહાદેવ કિશન સુરત રેન્જ IGની ઓપરેશન ગૃપનો જમાદાર છે.
જે ઘણાં સમયથી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો વેપાર કરતાં વેપારી પાસેથી નાહકના નાણાની માંગણી કરી રહ્યો હતો. હાલમાં તેણે વેપારી પાસે સાડા ચાર લાખ માંગ્યા હતા. મહાદેવ કિશને પીપોદરાના વેપારીને ધમકી આપી હતી કે, તે જે ઓઇલ બનાવે છે તેનો ઉપયોગ પ્રતિબંધિત બાયોડિઝલમાં થઈ રહ્યો હોય, આ અંગે કેસ કરવામાં આવશે. જો કે, વેપારીએ લાંચની રકમ આપવાને બદલે સીધો અમદાવાદ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જે બાદ અમદાવાદ એસીબીએ કીમ પાસેના પીપોદરા ખાતે ઓપરેશન ગોઠવ્યું હતુ. જેમાં જમાદારના વચેટીયાને કેમિકલના વેપારી વિપુલ બલરની પીપોદરા સ્થિત ઓફિસમાં બોલાવ્યા હતા. આ સમયે એસીબીની ટીમ હાજર હોય, લાંચિયાઓએ જેવી લાંચની રકમ લીધી કે તરત જ એ.સી.બી.ની ટીમે ઓળખ જાહેર કરી જમાદાર અને તેના વચેટીયાને ઝડપી લીધા હતા.