લોભને થોભ હોતો નથી. કેન્દ્ર સરકારના કર્મચારીને અઢળક પગાર મળતો હોવા છતાં રાતોરાત કરોડપતિ થઇ જવાના મોહમાં કેટલાય કર્મચારીઓ સારી નોકરી જોખમમાં મૂકીને લાંચ લઇને બે નંબરમાં કરોડપતિ થઇ જવા નહીં કરવાના કામ કરતા હોય છે. એ જ રીતે એક આવકવેરા અધિકારીએ 20 લાખ કમાઇ લેવા માટે એક ડોક્ટર પાસેથી લાંચ માંગવા જતાં સસ્પેન્ડ થયો છે.
ઇન્દિરા ગાંધીએ ભ્રષ્ટાચાર સાર્વત્રિક છે, એવું કહ્યું ત્યારે વિપક્ષે એ નિવેદનને રાજકિય શસ્ત્ર બનાવી દીધું હતું. આપણે ત્યં ભ્રષ્ટાચારને લોકો અનૈતિક ગણે છે અને તેની સામે ઝૂંબેશ ચલાવનારા સાથે પ્રજા રહેતી હોય છે. રાજકિય પક્ષો ભ્રષ્ટાચાર સામે પોતાને યોગ્ય લાગે એ રીતે શસ્ત્ર ઉઠાવીને રાજકિય લાભ લઇ જતા હોય છે. ભાજપે પણ ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો નારો લગાવ્યો હતો. પરંતુ જે રીતે અનેક લોકો એસીબીના હાથે ઝડપાય છે, એ જોતાં દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નથી એમ કહી શકાય.
દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો નથી. તેની પાછળ ભ્રષ્ટ ઠરેલા દોષિતોને કોઇ આકરી સજાની જોગવાઇ કરવી જોઇએ. ઉપરાંત એસીબીના અધિકારીઓ પણ ઘણા વખત ઉપલી આવક રળી લેવા માટે લાંચ લેતા પકડાયા હોવાના બનાવ પણ બન્યા છે. એસીબી કડક હાથે પુરાવા રજુ કરી ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરે અને જેઓ પકડાય તેને સખ્ત સજા કરાવવામાં સો ટકા સફળ થાય તો જ ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં સફળતા મળી શકે એમ છે.
ભ્રષ્ટાચારની એક તાજી ઘટનામાં આવકવેરા વિભાગનો જ એક અધિકારી લાંચ લેતા પકડાયો છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે હોમિયોપેથીક તબીબ તરીકે પ્રેકટીશ કરતા તબીબે છેલ્લાં પાંચ વર્ષથી ઇન્કમટેક્સ રીટર્ન ભર્યું ન હતું. કોલ્હાપુરના ઇન્કમટેક્સ ઇન્સપેક્ટર પ્રતાપ ચૌહાણે ડોક્ટર ઇન્કમટેક્સ રીટર્ન ભરતા નથી, પણ તેમની સંપત્તિમાં વધારો થયો છે, એ વાત ધ્યાન પર આવતાં ચૌહાણે ડોક્ટરને બોલાવીને આવકવેરાની ચોરી કરવા બદલ દંડ પેટે 50 લાખ ભરવા પડશે એવી ચીમકી આપી હતી. જો દંડ નહીં ભરે તો ઘર અને ક્લિનિક પર દરોડા પાડી મિલ્કત જપ્ત કરવામાં આવશે.
ડોક્ટરે 50 લાખનો દંડ ભરવા પોતે અસમર્થ હોવાનું જણાવતાં ઇન્કમટેક્સ ઇન્સપેક્ટર ચૌહાણે ડોક્ટર સાથે 20 લાખ આપવા જણાવ્યું હતું. આખરે, સોદો 14 લાખમાં થયો હતો. બાદ ડોક્ટરે એસીબીને ફરિયાદ કરી હતી.
એ બાદ ડોક્ટરે આવકવેરા ઇન્સપેક્ટર ચૌહાણને કોલ્હાપુરના વિલ્સન બ્રજ પર બોલાવીને લાંચના પહેલા હપ્તા તરીકે 10 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ સ્થળ લક્ષ્મીપુરી પોલીસ મથકની નજીક જ છે. ચૌહાણે જેવા ડોક્ટર પાસેથી 10 લાખ લીધા કે તરત જ ગોઠવાયેલા છટકા મુજબ એસીબીએ ચૌહાણને રંગેહાથ ઝડપી લીધો હતો. હવે ચૌહાણની સામે શાહપુરી પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધી તપાસ હાથ ધરાઇ છે.