આરોગ્ય વિભાગ હસ્તકનાં દવાખાનાઓમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓના પગાર, બોનસ, એરિયર્સ, લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણામાં એજન્સીઓએએ છેલ્લા છ વર્ષમાં લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાનો મામલો સામે આવ્યો છે. આ નાણાં હવે પરત અપાવવાં મોટી સંખ્યામાં આઉટસોર્સિંગ કર્મચારીઓ ગાંધીનગર ખાતે એકઠા થયા હતા. કર્મચારીઓએ લેબર કમિશ્નર અને આરોગ્ય કમિશ્નરને રજુઆત કરી હતી. ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયએ જણાવ્યું હતું કે વિધાનસભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કબુલ્યું હતું કે આઉટસોર્સિંગ એજન્સીઓ કર્મચારીઓનાં પગારમાં ગેરરીતિઓ આચરી રહી હોવાનું સામે આવ્યું છે. એ રોકવા માટે સરકાર એસ્ક્રો એકાઉન્ટ મારફતે પગાર કરશે. જો કે જે નાણાં એજન્સીઓ પહેલેથી જ હજમ કરી ગઈ છે એ કર્મચારીઓને પરત અપાવવા સરકાર તરફથી કોઇ વાત કરવામાં આવી નથી.
ગુજરાત જનતા જાગૃતિ મંચના જણાવ્યા અનુસાર, દરેક કર્મચારીઓના પગારમાથી છ વર્ષમાં આશરે એકથી દોઢ લાખ રૃપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ તમામ નાણાની એજન્સીઓ પાસેથી રીકવરી કરવા અને ભ્રષ્ટાચાર આચરનાર એજન્સીઓને ટેન્ડરીંગની આખી પ્રક્રિયામાંથી બાકાત કરવાની રજૂઆત કરવામાં આવી છે. કર્મચારીઓએ શ્રમ આયુક્ત અને આરોગ્ય કમિશ્નરને આ માંગ કરી છે. રજનીકાંત ભારતીયએ વધુમાં જણાવ્યું હતુ કે હાલ ડી.જી.નાકરાણી, એમ જે સોલંકી, રાજદીપ એન્ટરપ્રાઇઝ, ડી.બી.એન્ટરપ્રાઈઝ, વિશ્ર્વ એન્ટરપ્રાઇઝ, ઈથોસ એન્ટરપ્રાઇઝ, સમીર એન શાહ, ડી આર એન્ટરપ્રાઇઝ, ઓમ એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓ પાસે આ કોન્ટ્રાક્ટ છે જેઓ ગુજરાતના આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ 3 અને વર્ગ 4 ના અંદાજીત 80000 જેટલા કર્મચારીઓ સરકારને પૂરા પાડે છે. ભારતીયએ જણાવ્યું કે, આમ જો એજન્સીઓએ આચરેલ ભ્રષ્ટાચારનો સરવાળો કરવામાં આવે અને યોગ્ય તપાસ થાય તો વ્યાપમ કરતા પણ મોટુ કૌભાંડ બહાર આવે એમ છે.