છેલ્લા થોડા દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં મોટો તણાવ સર્જાયો છે અને તેના કારણે બને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડવા પામી છે. કેનેડા પ્રધાનમંત્રી ટ્રુડોના ખાલીસ્તાની પ્રેમ અને ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડા સરકારના વલણથી બંને દેશોના સંબંધોમાં તણાવ સર્જાયો છે. ભારત દ્વારા 2020માં આતંકવાદી જાહેર કરાયેલ ખાલીસ્તાની હરદીપ સિંહ નિજ્જર નામના કેનેડિયન નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જે બાદ કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ગૃહમાં ભારત પર આનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારત સરકારે આકરું વલણ અપનાવતા હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું છે.
ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા વિવાદની અસર હવે બિઝનેસ પર દેખાઈ રહી છે. બંને દેશો વચ્ચેના તણાવ વચ્ચે મહિન્દ્રા ગ્રૂપે પણ કેનેડાને મોટો ઝટકો આપ્યો છે. આનંદ મહિન્દ્રાની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડામાં તેની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે. આનંદ મહિન્દ્રાની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કેનેડા સ્થિત કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશન સાથેની ભાગીદારી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રેસન એરોસ્પેસ કોર્પોરેશનમાં એમ એન્ડ એન્ડની 11.18 ટકાની ભાગીદારી હતી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં સ્ટોક એક્સચેન્જને જાણ કરી છે કે રેસન એરોસ્પેસ કોર્પોરેશન, કેનેડાને 20 સપ્ટેમ્બર, 2023ના રોજ કોર્પોરેશન કેનેડા તરફથી સર્ટિફિકેશન ઓફ ડિજોલ્યુશન મળી ગયું છે, જેના વિશેની માહિતી કંપનીને આપવામાં આવી છે. મહિન્દ્રાએ કહ્યું કે આ સાથે, રેસનનું ઓપરેશન બંધ કરાયું છે અને ભારતીય એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ હેઠળ, 20 સપ્ટેમ્બર, 2023થી તેને તેની સાથે કોઈ લેવાદેવા નથી.
રેસનના લિક્વિડેશન પર, કંપનીને 4.7 કેનેડિયન ડોલર મળશે, જે ભારતીય ચલણમાં રૂ. 28.7 કરોડ છે. આ સમાચાર સામે આવ્યા બાદ સ્ટોક એક્સચેન્જમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શેર 3.11 ટકાના ઘટાડા સાથે અથવા રૂ. 50.75ના ઘટાડા સાથે રૂ. 1583 પર બંધ થયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આ નિર્ણયથી કેનેડાને મોટો ઝટકો મળ્યો છે. પરંતુ તમને જણાવીએ કે કેનેડા પેન્શન ફંડે ઘણી ભારતીય કંપનીઓમાં મોટું રોકાણ કર્યું છે. પબ્લિક ડિસ્ક્લોજર મુજબ છ ભારતીય કંપનીઓમાં કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડના રોકાણનું મૂલ્ય રૂ. 16000 કરોડથી વધુ છે. આ કંપનીઓમાં જોમેટો (Zomato), પેટીએમ (Paytm), ઈન્ડસ ટાવર ( Indus Tower), નાયકા (Nykaa), કોટક મહિન્દ્રા બેંક ( Kotak Mahindra Bank), ડેલ્હીવેરી (Delhivery)નો સમાવેશ થાય છે.